અમેરિકામાં વિદાય લઈ રહેલા પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે સ્થાનિક અમેરિકન્સના લાભ માટે એચ-૧બી વિઝા સહિત વિદેશી વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરનો પ્રતિબંધ ૩૧મી માર્ચ સુધી લંબાવ્યો છે. ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશનના આ નિર્ણયથી નવા વર્ષે ઈમિગ્રન્ટ પ્રોફેશનલ્સને મોટો ઝાટકો લાગ્યો છે. જોકે, ભારતીય મૂળના પદનામિત વાઇસ પ્રેસિડેન્ટ કમલા હેરીસે મંગળવારે જાહેરાત કરી હતી કે તેઓ આ પ્રતિબંધો હટાવવા માટે કોંગ્રેસમાં એક બિલ લાવશે. કમલા હેરિસે મંગળવારે જ ટ્વીટર દ્વારા જણાવ્યું હતું કે, તેઓ અમેરિકન કોંગ્રેસમાં એક બિલ લઈને આવશે, જેમાં જેમની પાસે દસ્તાવેજો નહીં હોય તેવા ૧.૧ કરોડ લોકોને નાગરિક્તા આપવાની જોગવાઈ હશે. અમેરિકામાં ૬.૩ લાખ ભારતીયો છે, જે કોઈપણ દસ્તાવેજો વગર વર્ષ ૨૦૧૦ પછીથી વસી રહ્યા છે.
ટ્રમ્પે ગત વર્ષે એપ્રિલ ૨૨ અને જૂન ૨૨ના રોજ બે વખત જુદી જુદી શ્રેણીના વર્ક વિઝા પર પ્રતિબંધો મૂકવાના આદેશ આપ્યા હતા. ૨૨ જૂને વર્ક વિઝા પર મૂકેલા પ્રતિબંધોની મુદ્દત ૩૧ ડિસેમ્બરે પૂર્ણ થઇ હતી. ટ્રમ્પે પ્રેસિડેન્ટ બન્યાના થોડાક જ દિવસમાં મુસ્લિમ બહુમતી ધરાવતા સાત દેશો પર પ્રવાસ પ્રતિબંધો મૂકવાની સાથે શરૂ થયેલી ટ્રમ્પની ઈમિગ્રેશન વિરોધી નીતિ તેમના પ્રેસિડેન્ટપદેથી વિદાય થવાના ૨૦ દિવસ અગાઉ સુધી યથાવત્ રહી છે. જોકે, અમેરિકાના પદનામિત પ્રેસિડેન્ટ જો બાઇડેને અગાઉ એચ-૧બી વિઝા પર મૂકાયેલા પ્રતિબંધો ઊઠાવી લેવાની ખાતરી આપતા જણાવ્યું હતું કે, ટ્રમ્પની ઈમિગ્રન્ટ્સ વિરોધી નીતિ અયોગ્ય છે અને અમેરિકાના અર્થતંત્ર માટે નુકશાનકારક છે.
ટ્રમ્પે 31 ડિસેમ્બરે જણાવ્યું હતું કે, અમેરિકાના લેબર માર્કેટ અને અમેરિકન સમાજના આરોગ્ય પર કોરોનાની અસર ચિંતાજનક બાબત છે. આ પ્રતિબંધોના કારણે અમેરિકામાં કામ કરવા માટે વિદેશમાંથી આવેલા લોકો દ્વારા ઉપયોગ કરાતા અનેક કામચલાઉ વિઝા પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, જેમાં એચ-૧બી વિઝાનો સમાવેશ થાય છે, જેની ભારતીય આઈટી પ્રોફેશનલ્સમાં સૌથી વધુ માગ છે.
સૂત્રોના જણાવ્યા મુજબ વર્ષ ૨૦૨૧માં વર્ક વિઝા અને ગ્રીન કાર્ડ પરનો પ્રતિબંધ લંબાવવા માટે ટ્રમ્પે દબાણનો સામનો કરવો પડયો હતો. કેટલાક સહયોગી પક્ષોનું કહેવું છે કે અમેરિકન અર્થતંત્ર હજુ સંપૂર્ણપણે મહામારીમાંથી ઊભું થયું નથી. ૨૦ જાન્યુઆરીએ અમેરિકાના જો બાઈડેન નવા પ્રેસિડેન્ટ તરીકે શપથ લેશે.