High Court orders to hold municipal elections without OBC reservation in UP
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડા-અમેરિકાની સરહદે હાડ થીજાવતી ઠંડીમાં ચાર ભારતીયોની મોતનો આરોપી સ્ટીવ શેન્ડ અમેરિકન કોર્ટમાંથી કોઈપણ બોન્ડ ભર્યા વિના જ છૂટી ગયો છે. સ્ટીવ શેન્ડ બે ભારતીયોની અમેરિકામાં માનવ તસ્કરી કરવાનો અને ચાર ભારતીયોની કેનેડા સરહદે ભીષણ ઠંડીથી મોતના કેસમાં આરોપી છે. અમેરિકા આખી દુનિયામાં માનવ તસ્કરીના વિરોધમાં અવાજ ઉઠાવે છે, પરંતુ તેણે પોતાના જ દેશમાં બેવડું વલણ અપનાવતા માનવ તસ્કરીના આરોપીને કોઈપણ બોન્ડ ભર્યા વિના ગત સપ્તાહે છોડી મૂક્યો હતો.

સ્ટીવ શેન્ડની ગયા સપ્તાહે ધરપકડ કરાઈ હતી અને તેના પર અમેરિકન કાયદાનો ભંગ કરીને અન્ય દેશના લોકોને અમેરિકામાં ગેરકાયદે રીતે ઘૂસાડવાનો આરોપ છે. તેને ૨૦મી જાન્યુઆરીએ અમેરિકાની મિનેસોટાની જિલ્લા અદાલતમાં મેજિસ્ટ્રેટ હિલ્ડી બોબીર સમક્ષ હાજર કરાયો હતો. તેને ૨૪મી જાન્યુઆરી સુધી જેલમાં રાખવાનો આદેશ અપાયો હતો. નોર્થ ડેકોટાના ગ્રાન્ડ ફોર્ક્સ હેરાલ્ડ અખબારના રિપોર્ટ મુજબ શેન્ડ ૨૪મી જાન્યુઆરીએ વર્ચ્યુઅલ રૂપે હાજર થયો હતો અને તેને કેસ પેન્ડિંગ રહેવા સુધી શરતો સાથે છોડી મૂકવાનો આદેશ અપાયો હતો.

કોર્ટમાં ૩૦ મિનિટની સુનાવણી દરમિયાન શેન્ડે કોઈ ટિપ્પણી કરી નહોતી. તે માત્ર યસ મેમ, યસ યોર ઓનર બોલતો રહ્યો હતો. આ દરમિયાન ન્યાયાધીશ બોબીરે તેની જમાનત સંબંધી શરતો નિર્ધારિત કરી હતી. અખબારે કહ્યું કે આરોપીને જ્યારે પણ સુનાવણી થશે ત્યારે કોર્ટ સમક્ષ હાજર થવું પડશે તેવી શરતોના આધારે તથાકથિત હાજરી બોન્ડના આધારે છોડી મૂકાયો છે. તેની મુક્તિની શરતોમાં જણાવાયું છે કે શેન્ડે તેનો પાસપોર્ટ અથવા કોઈ સમાન પ્રવાસ દસ્તાવેજ અથવા વીઝા અધિકારીઓ પાસે જમા કરાવવાનો રહેશે. વધુમાં માનવ તસ્કરીના કેસના સાક્ષી અથવા પીડિતનો પણ તેણે સંપર્ક કરવો નહીં તેવી પણ શરત મૂકવામાં આવી છે.

શેન્ડ તેના વાહનમાં બે ભારતીયોને કાયદેસરના દસ્તાવેજો વિના કેનેડાથી અમેરિકામાં ઘૂસાડી રહ્યો હતો, પરંતુ તેને પકડી લેવાયો હતો. બંને ભારતીયો અને શેન્ડને પેંબિના સરહદ ચોકી પર લઈ જવાતા હતા ત્યારે સુરક્ષા કર્મચારીઓને વધુ પાંચ ભારતીયો મળ્યા હતા, જે મીનેસોટાના સેન્ટ વિન્સેટ સ્થિત ગેસ પ્લાન્ટ તરફ જઈ રહ્યા હતા. આ લોકોની વધુ પૂછપરછ કરતાં જણાયું હતું કે તેમની સાથે અન્ય ચાર ગુજરાતીઓ હતા, જે રાત્રીના સમયે તેમના અલગ થઈ ગયા હતા. આ ગુજરાતીઓના મૃતદેહ પાછળથી કેનેડીયન માઉન્ટેન પોલીસને મળ્યા હતા. આ બધા લોકો ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસી રહ્યા હતા.