એક સમયે યુકે-યુએસએ તરફ સ્થાયી થવાનું વિદેશીઓમાં વધુ વલણ જોવા મળ્યું હતું. પરંતુ હવે વિદેશીઓમાં કેનેડા તરફનું આકર્ષણ વધ્યું છે. કેનેડાએ વર્ષ 2021માં રેકોર્ડ સર્જીને ચાર લાખથી વધુ વિદેશીઓને કાયમી નિવાસના હક્ક આપ્યા છે. એક અંદાજ પ્રમાણે કેનેડામાં 4,01,000 વિદેશીઓને પીઆર મળ્યા છે. તેમાં દેશમાં ઇમિગ્રન્ટ તરીકે વસતા લોકોનો પણ સમાવેશ થાય છે, તેવું ઇમિગ્રેશન મિનિસ્ટર સીમ ફ્રેસરે તાજેતરમાં જણાવ્યું હતું.
વર્ષ 2020માં કોરોનાના કારણે 2021 કરતાં 45 ટકા ઓછા એટલે કે 1,85,000 વિદેશીઓને જ સિટીઝનશિપ આપવામાં આવી છે. કેનેડાએ છેલ્લા 100 વર્ષમાં પ્રથમવાર આટલી મોટી સંખ્યામાં વિદેશીઓને એક જ વર્ષમાં સિટીઝનશિપ આપવામાં આવી છે, જેઓ કેનેડામાં હંગામી નિવાસ ધરાવતા હતા.
ફ્રેસરે જણાવ્યું હતું કે, અમે ગત વર્ષે જ ચાર લાખ વિદેશીઓને નાગરિકતા આપવાનો મહત્ત્વાકાંક્ષી લક્ષ્યાંક નક્કી કર્યો હતો, જે મેળવવામાં સફળ રહ્યા છીએ. જસ્ટિન ટ્રુડોને જ્યારે 2015માં સરકારનું સુકાન સંભાળ્યું ત્યારથી દેશના અર્થતંત્રને વેગ આપવા દેશની 3.8 કરોડની વસ્તીમાં દર વર્ષે એક ટકા વિદેશીઓને નાગરિકત્વ આપવાનું આયોજન છે. વર્ષ 2022 4,11,000 વિદેશીઓને કેનેડાની સિટીઝનશિપ મળી તેવી સંભાવના છે.