પ્રતિકાત્મક તસવીર (istockphoto)

કેનેડાએ 2024થી 2026 માટે ઇમિગ્રેશન લેવલ્સ પ્લાન જારી કર્યો છે. આ પ્લાન મુજબ કેનેડા આર્થિક વિકાસને વેગ આપવા માટે આગામી ત્રણ વર્ષમા 15 લાખ ઇમિગ્રન્ટ્સને આવકારશે. 2024માં 485,000 નવા ઇમિગ્રન્ટ્સ અને 2025 અને 2026 દરેક વર્ષમાં 500,000 નવા ઇમિગ્રન્ટ્સને આમંત્રિત કરશે.

કેનેડા હાલમાં વૃદ્ધ વસ્તી અને મુખ્ય ક્ષેત્રોમાં કામદારોની અછતનો સામનો કરી રહ્યું છે અને તેથી, તે ભારત જેવા દેશોના નવા લાયકાત ધરાવતા વ્યાવસાયિકોની મદદથી વૃદ્ધિને વેગ આપવા માંગે છે. 2022માં કેનેડાને ભારતના 118,095 નાગરિકોને પર્મેનન્ટ રેસિડેન્સી આપી હતી.

કેનેડાની નવી નીતિથી ભારતીયોને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. હાલમાં કેનેડામાં ઈમિગ્રેશન અને સ્ટુડન્ટ મોકલવાની બાબતમાં ભારત મોખરે છે. તેથી તેની નવી ઉદાર નીતિથી પણ ભારતને સૌથી વધુ ફાયદો થવાની શક્યતા છે. કેનેડામાં 2.81 લાખ ભારતીયો ઈકોનોમિક કેટેગરીમાં એડમિશન મેળવવાના છે, જ્યારે 1.14 લાખ ભારતીયોને ફેમિલી કેટેગરીમાં કેનેડામાં વસવાટ કરવાની તક મળશે. કેનેડાને દર વર્ષે પાંચ લાખ ઈમિગ્રન્ટની જરૂર શા માટે પડી તેની પાછળ પણ એક કારણ છે. હાલમાં કેનેડા તેની વસતીના 1.3 ટકા જેટલા ઈમિગ્રન્ટ્સને આમંત્રણ આપે છે પરંતુ અહીં સરેરાશ ઉંમર વધારે હોવાના કારણે વધુને વધુ યુવાનો કેનેડા આવે તે જરૂરી છે. કેનેડાના એક્સપર્ટ્સ માને છે કે કુલ વસતીના 2.1 ટકા ઈમિગ્રન્ટને અહીં આવવા દેવામાં આવે તે જરૂરી છે.

કેનેડાની વસતી તાજેતરમાં ચાર કરોડનો આંકડો પાર કરી ગઈ છે જેના માટે મુખ્યત્વે ઈમિગ્રેશન જ જવાબદાર છે. વર્ષ 1957 પછી કેનેડાની વસતી સૌથી ઝડપી દરે વધી રહી છે અને વસતી વધારામાં વિશ્વના ટોચના 20 દેશોમાં સ્થાન ધરાવે છે. ગયા વર્ષમાં 1.18 લાખ ભારતીયોને કેનેડાના PR મળ્યા હતા. આ ઉપરાંત બીજા લાખો ભારતીયો કેનેડાની પર્મેનન્ટ રેસિડન્સી માટે રાહ જોઈને ઉભા છે. ગયા વર્ષમાં કેનેડામાં 4.37 લાખ નવા લોકો આવ્યા તેમાંથી 1.18 લાખ ભારતીયો હતા. આગળ જતા પણ તેની ઉદાર નીતિથી ભારતને સૌથી વધુ ફાયદો મળશે.

 

 

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments