ફાઇઝર દ્વારા અમેરિકન એફડીએ અને સીડીસી પાસે પોતાના બૂસ્ટર ડોઝ અંગે મંજૂરી આપવાની માગણી કરી છે. કંપનીના જણાવ્યા પ્રમાણે શરીરની અંદર રહેલી રોગપ્રતિકારક શક્તિ છ મહિના પછી નબળી પડવાનું જોખમ છે. કંપનીના મુખ્ય વૈજ્ઞાનિકે કહ્યું હતું કે, છ મહિના પછી બીજીવાર સંક્રમિત થવાનું વધતું જોખમ અને ડેલ્ટા વેરિઅંટના વધી રહેલા કેસીઝને ધ્યાનમાં રાખીને આ મંજૂરી માગવામાં આવી છે.
આ અંગે અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) અને સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન (CDC) દ્વારા એક સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, જે લોકોનું સંપૂર્ણ રસીકરણ થઇ ગયું છે તેમને અત્યારે બૂસ્ટર ડોઝની કોઇ જરૂરીયાત નથી. કેટલાક અન્ય વૈજ્ઞાનિકોએ પણ બૂસ્ટર ડોઝ અંગે શંકા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું છે કે, જો વિજ્ઞાન આ વાતને સમજાવવા અને દર્શાવવા તૈયાર હોય કે બૂસ્ટર ડોઝની આપણને જરૂરીયાત છે તો અમે તેના માટે તૈયાર છીએ.
કંપનીના રીસર્ચ હેડ, માઇકલ ડોલ્સટને જણાવ્યું હતું કે, તાજેતરના એક રીપોર્ટમાં જણાયું છે કે, ઇઝરાયલમાં રસીની અસરકારકતા એ લોકો પર ઓછી સાબિત થઇ છે જેમણે જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં ડોઝ લીધો હતો, આવા લોકો વધુ સંક્રમણનો ભોગ બન્યા હતા. ઇઝરાયલના આરોગ્ય પ્રધાને જણાવ્યું હતું કે, જુનમાં સંક્રમણ અને ઓછા લક્ષણો ધરાવતા લોકો પર રસી ઓછી અસરકારક સાબિત થઇ છે. આ દરમિયાન તેની અસરકારકતા 64 ટકા જોવા મળી છે.
એક ઇન્ટરવ્યૂમાં ડોલ્સટને જણાવ્યું હતું કે, કંપની દ્વારા વિકસાવવામાં આવેલી રસી ડેલ્ટા વેરિઅંટ સામે પણ અસરકારક છે. જોકે, ફાઇઝરે ઇઝરાયલમાંથી મેળવેલા આંકડા જાહેર કર્યા નથી, પરંતુ તેઓ કહે છે તેને ટૂંક સમયમાં જાહેર કરશે. ડોલ્સટન કહે છે કે, છ મહિના પછી ડેલ્ટા વેરિઅંટ ઝડપથી ફેલાઇ શકે છે અને ગંભીર સ્થિતિ ઊભી થઇ શકે છે. તેના કારણે સંક્રમણ વધી શકે છે અને હળવા લક્ષણો વધવાનું જોખમ છે.
ફાઇઝરની કોવિડ રસી વૈશ્વિક સ્તરે રસીઓમાં મોખરે છે. એક જુલાઇની સ્થિતિએ ફાઇઝરના જણાવ્યા મુજબ, તેણે વિશ્વભરમાં રસીના 860 મિલિયનથી વધુ ડોઝ મોકલાવ્યા હતા, જેમાં યુરોપિયન યુનિયનમાં 330 મિલિયનથી વધુ ડોઝ અને અમેરિકામાં 200 મિલિયનથી વધુ ડોઝનો સમાવેશ થાય છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શનના જણાવ્યા અનુસાર, અમેરિકામાં અત્યાર સુધીમાં ફાઇઝરની રસીના 184 મિલિયનથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે મોર્ડનાની રસીના 135 મિલિયન ડોઝ દેશમાં આપવામાં આવ્યા છે.