પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

કેનેડાના ગ્રેટર ટોરોન્ટો એરીઆમાં છેલ્લા કેટલાક દિવસોમાં છ મંદિરોમાં લૂંટફાટની સાથે તોડફોડની ઘટના બની છે. લૂટારાઓએ દાન પેટીમાંની રોકડ રકમ અને તેની સાથેસાથે ભગવાનની મૂર્તિઓ પરથી ઘરેણા પણ ચોરી લેતા પૂજારીઓ અને ભક્તોમાં ડર ફેલાયો છે. આ અંગે પોલીસમાં અનેક ફરિયાદો થતાં અધિકારીઓએ તપાસ શરૂ કરી છે અને મંદિરની આસપાસ પેટ્રોલિંગ વધારવાની ખાતરી પણ આપી છે.

તાજેતરમાં જીટીએના બ્રામ્પ્ટનમાં હનુમાન મંદિરમાં તોડફોડનો પ્રયાસ થયો હતો. 15 જાન્યુઆરીએ આ ઘટના પછી બીજી લૂટની શરૂઆત થઇ ગઇ હતી. પછી 25 જાન્યુઆરીએ સ્થાનિક ચિંતપૂર્ણી દુર્ગાદેવી મંદિર તોડવામાં આવ્યું હતું.
ત્યારપછી ગૌરીશંકર મંદિર અને જગન્નાથ મંદિરમાં પણ તોડફોડ થઈ હતી. હેમિલ્ટન સમાજ મંદિરને પણ નિશાન બનાવાયું હતું. 30 જાન્યુઆરીએ મિસિસાગામાં હિન્દુ હેરિટેજ સેન્ટરમાં બે લૂટારાઓએ દાન પેટી અને મંદિરના મુખ્ય કાર્યાલયમાં તોડફોડ કરી હતી.

મીડિયા રીપોર્ટસ અનુસાર રાત્રે બેથી ત્રણ વાગ્યાની આસપાસ તેઓ લૂટ અને તોડફોડ કરતા હતા. પોલીસ તપાસમાં સીસીટીવી ફૂટેજમાં આ તોફાનીઓનો ચહેરો દેખાયો હતો, જેમાં તેઓ બેકપેકની સાથે વિંટર ગીયર લઇને અને નકાબ પહેરેલા દેખાયા હતા. આ લૂટારાઓ મંદિરમાં પ્રવેશીને દાન-પેટીમાંથી રોકડ, ભગવાનના દાગીના શોધે છે અને પછી તોડફોડ કરીને ભાગી જાય છે. આ મંદિરોમાં સુરક્ષા વધારવામાં આવી છે, અને સ્વયંસેવકોએ તેની સુરક્ષા માટે નાઇટ શિફ્ટ શરૂ કરી છે.

હિન્દુ હેરિટેજ સેન્ટરના પંડિત યદુનાથ શર્માએ આ અંગે જણાવ્યું હતું કે, સવારે આરતીના સમયે પણ મને ડર લાગે છે.
હું ચારેય બાજુ જોઉં છું કે, આજુબાજુમાં કોઇ છે કે નહીં. હું તમામ લાઇટ ચાલુ રાખું છું. આ સિવાય મંદિરના દ્વાર ખોલતી વખતે પણ તપાસ કરું છું કે, બારીઓ પાસે કોઇ છૂપાયેલું તો નથી ને. અન્ય એક શ્રદ્ધાળુએ જણાવ્યું હતું કે, મંદિરોમાં તોડફોડ અંગે સાંભળીને ખૂબ જ નિરાશ થયો છું. કેનેડામાં આ પ્રકારની ગુનાખોરી જોઇને ચિંતા થાય છે. મંદિરો પર સતત થઇ રહેલા હુમલા એક ગંભીર સમસ્યા છે. પોલીસ આ સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવે તેવી આશા છે.