પ્રતિકાત્મક તસવીર (Photo by RAVEENDRAN/AFP via Getty Images)

કોવિડ-19 રોગચાળો ફેલાયા બાદ યુકેમાં કારનું ઉત્પાદન કરતા કારખાનાઓ બંધ થતાં અને કારની માંગને નુકસાન થતા 2020માં બ્રિટિશ કારનું ઉત્પાદન સૌથી નીચલા સ્તરે પહોંચ્યું હતું.

સોસાયટી ઑફ મોટર મેન્યુફેક્ચર્સ એન્ડ ટ્રેડર્સ (SMMT)ના જણાવ્યા અનુસાર, 2019ની સરખામણીએ 2020માં કાર ઉત્પાદન કુલ 29% જેટલું નીચું થયું હતું.

SMMTના ચીફ એક્ઝિક્યુટિવ માઇક હૉવેસે જણાવ્યું હતું કે, આ આંકડા પેઢીના સૌથી ખરાબ આંકડા છે અને યુકે ઓટોમોટિવ પ્રોડક્શન પર રોગચાળાના વિનાશક પ્રભાવને બતાવે છે. જો કે રોકાણમાં £3.2 બિલીયનનો વધારો થયો હતો જે 2014 પછીનો સર્વોચ્ચ આંકડો છે. આ વધારો નોર્થ ઇંગ્લેન્ડમાં બેટરી ગીગાફેક્ટરી બનાવવા માટેની બ્રિટીશવોલ્ટની સ્ટાર્ટઅપ યોજનાના કારણે છે.

SMMTના આંકડા અનુસાર, જેગુઆર લેન્ડ રોવરનું બ્રિટીશ આઉટપુટ 37% ઘટીને 243,908 કાર પર, પહોંચી ગયું છે જ્યારે નિસાન તેની નોર્થ ઇસ્ટ ઇંગ્લેન્ડના સંડરલેન્ડ સાઇટ પર 245,649 વાહનોનું નિર્માણ કરી દેશની સૌથી મોટી ઓટોમોટિવ ઉત્પાદક કંપની બની હતી.

હજૂ પણ કોવિડ-19ની અસર હોવાથી 2021માં ફક્ત 1 મિલિયન વાહનોનું જ ઉત્પાદન થવાની અપેક્ષા છે. કારણ કે 2020 માં લગભગ 70,000 વાહનો બનાવનાર હોન્ડાની સ્વીંડન ફેક્ટરી કાયમી ધોરણે બંધ થઈ ગઇ છે.