Celebrating Holi with religious tradition in Gujarat
સુરતમાં હોલિકાદહન (ANI Photo)

ગુજરાતમાં હોળી પર્વની હર્ષોલ્લાસભેર ઉજવણી કરાઈ હતી અને આ વખતે હોળીના તહેવારે વરસાદ પણ આવ્યો હોવા છતાં લોકોએ હોળી પ્રજ્વલિત કરી ભારતીય પરંપરા યથાવત જાળવી રાખી હતી. લોકોએ ખજૂર, કોપરા, ધાણી, ચણા સહિતની સામગ્રી હોળી માતાને અર્પણ કરી આશીર્વાદ મેળવ્યા હતા અને સમગ્ર વર્ષ મનુષ્ય સહિત પશુ-પંખીઓ નિરોગી રહે અને કુદરતી આપત્તિ ન આવે તે માટે પ્રાર્થના કરી હતી. મહિલાઓએ હોળીની પ્રદક્ષિણા કરી સુખ, શાંતિ, તંદુરસ્તી અને નિરોગી રહેવા સહિત પરિવારજનો ઉપર કૃપા રહે તેવી પ્રાર્થના કરી હતી.

યાત્રાધામ સોમનાથ, ડાકોર, દ્વારકા, ચોટીલા ખાતે સોમવારે હોલિકા દહન કરવામાં આવ્યું હતું. સોમનાથ મંદિર પરિસરમાં પથિકાશ્રમ ગ્રાઉન્ડ ખાતે સાંજે ૭.૪૫ના હોલિકા દહન કરાયું હતું. હોલિકા દહન વખતે ગીર ગાય માતાનું ઘી, ગૌ માતાના છાણા, ભીમસેન કપૂર, પવિત્ર સમીધ કાષ્ટ, ધૂપ તેમજ જડીબુટ્ટી સાથે હોલિકા પૂજન અને પછી હોલિકા પ્રજ્જવલિત કરાઈ હતી. જોકે અમદાવાદના પ્રસિદ્ધ જગન્નાથ મંદિર તેમજ રાજ્યના અન્ય કેટલાક સ્થળોએ મંગળવારે હોલિકા દહન કરાયું હતું.

હોલિકા દહન સાથે હોળાષ્ટકની પણ સમાપ્તિ થતાં લગ્ન, વાસ્તુ આદિ માંગલિક કાર્યો થઇ શકશે. જોકે જ્યોતિષીઓના મતે આ વખતે મંગળવાર-બુધવારે શુભ યોગ નથી. શુભ કાર્ય ગુરુવારથી દિન શુદ્ધિ જોઇને કરી શકાશે.

હોળીના દિવસે જ વરસાદ પડયો હોય તેવું ૧૦૦ કરતાં વધુ વર્ષ બાદ પ્રથમ વાર બન્યું હોવાનું મનાય છે. હોળીના દિવસે જ વરસાદ પડતાં આ વખતે ચોમાસું અણધાર્યું રહેશે તેવી જ્યોતિષીઓએ આગાહી કરી હતી.

હોળીના તહેવારમાં હોળીની પ્રદક્ષિણા કરી વર્ષ સુધી નિરોગી રહેવા માટે ભગવાન વિષ્ણુના આશીર્વાદ મેળવવામાં આવે છે. હોળીની જ્વાળા વાયવ્ય દિશાની હોવાથી આ વર્ષે વરસાદની સિઝન શરૂ થતા પહેલા જ વાવાઝોડા અને વહેલા ચોમાસાના સંકેતો મળે છે. હોળીની જ્વાળા ઉત્તરથી ઈશાન તરફ ગઈ હતી અને ત્યારબાદ વંટોળને કારણે જ્વાળા ઊર્ધ્વની જોવા મળી હતી. જેને પરિણામે સમગ્ર વર્ષ સારું જશે અને દેશનાં કેટલાંક પ્રદેશોમાં રાજકીય વંટોળ સર્જાવાની શક્યતા પણ જણાય છે.

ફાગણી પૂનમના દિવસે ડાકોરના ઠાકોરજીના લાખો દર્શનાર્થીઓએ દર્શન કર્યાં હતા. ગુજરાતભરમાંથી પદયાત્રીઓ પગપાળા ડાકોર પહોંચ્યા હતા. યાત્રાધામ ડાકોરમાં જય રણછોડ માખણ ચોરનો નાદ ગુંજયો હતો. ફાગણી પૂનમ પર ડાકોરના ઠાકોરજીના દર્શનનું વિશેષ મહત્વ છે. ડાકોર મંદિરમાં વિશેષ રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. ભકતો રણછોડજીના દર્શન કરવા દુરદુરથી ધજા લઈને લાખોની સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ડાકોર દર્શન બાદ ભકતો ફાગવેલ ભાથીજી મંદિર વડતાલ સ્વામીનારાયણ મંદિર અને તે બાદ નડિયાદ સંતરામ મંદિરના દર્શન કરવા રવાના થયા હતા.

LEAVE A REPLY

18 + 9 =