સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં ઇન્ડિયા ગેટ પાસે નવા સંસદભવનના નિર્માણ માટેના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સને મંગળવારે મંજૂરી આપી હતી. સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સની વિવિધ મંજૂરીને પડકારતી પિટિશનની સુનાવણી કરતાં ત્રણ જજની બનેલી ખંડપીઠે બહુમતીથી આ ચુકાદો આપ્યો હતો.

કોર્ટે જણાવ્યું હતું કે પ્રોજેક્ટ્સ માટે આપવામાં આવેલી મંજૂરી કે જમીનના ઉપયોગમાં ફેરફાર અંગે કોઇ વિસંગતતા લાગતી નથી. સરકારે 20,000 કરોડ રૂપિયાના સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સ હેઠળ નવી સંસદના નિર્માણ માટેની મહત્ત્વકાંક્ષી યોજના બનાવી છે.

સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ્સની જાહેરાત સપ્ટેમ્બર, 2019માં થઈ હતી. તેમાં સંસદની નવી ત્રિકોણીય ઈમારત હશે, જેમાં એકસાથે લોકસભા અને રાજ્યસભાના 900થી 1200 સાંસદ બેસી શકશે. નવી સંસદનું નિર્માણ 75મા સ્વતંત્રતા દિવસ પર ઓગસ્ટ 2022 સુધીમાં પૂરું કરવાની યોજના છે. કેન્દ્રીય સચિવાલયનું નિર્માણ 2024 સુધી પૂરું કરવાની તૈયારી છે.

1911માં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયન્સે ડિઝાઇન કરેલું નવી દિલ્હી અસ્તિત્વમાં આવ્યું હતું. તે પછી 1921-27 દરમિયાન હાલના સંસદભવનનું નિર્માણ થયું હતું. ઈન્ડિયા ગેટથી રાષ્ટ્રપતિભવન સુધીના વિસ્તારને નવનિર્માણ માટે પસંદ કરાયો હતો અને એેને સેન્ટ્રલ વિસ્ટા નામ અપાયું હતું. ત્યારથી નવી દિલ્હીનો આ વિસ્તાર આ નામે જ ઓળખાય છે. હાલમાં જૂના સંસદભવનના રિનોવેશન, નવા ભવનના નિર્માણ સહિત જે કંઈ ફેરફાર થઈ રહ્યા છે એે આ વિસ્તારના નામે સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ તરીકે જ કેન્દ્ર સરકારે ઓળખાવ્યા છે.