ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી કોલકતાની હોસ્પિટલમાંથી હાર્ટ સર્જરીમાંથી રિકવર થઈ રહ્યા છે, પરંતુ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી વિલમરે સૌરવ ગાંગુલીને રજૂ કરતી ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ તેલની તમામ એડવર્ટાઇઝમેન્ટનું પ્રસારણ અટકાવી દીધું છે.

કંપનીએ ફોર્ચ્યુન રાઇસ બ્રાન કુકિંગ ઓઇલને હાર્ટ હેલ્થી કૂકિંગ ઓઇલ તરીકે પ્રમોટ કરવા સૌરભ ગાંગુલીને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો હતો, પરંતુ સૌરવ ગાંગુલીને શનિવારે હાર્ટ અટેક આવ્યો હતો અને હાર્ટમાં સ્ટેન્ટ મૂકવા પડ્યા હતા.
આવું બન્યાં પછી સોશ્યલ મિડિયા પર ફોર્ચ્યુન ખાદ્ય તેલની જબરદસ્ત મજાક ઊડી હતી કે આ તેલ આરોગ્યપ્રદ હોય તો સૌરવ ગાંગુલીને હાર્ટ અટેક કેવી રીતે આવ્યો… હવે આ બ્રાન્ડની એડ તૈયાર કરનારી જાહેરખબર કંપનીએ આ નવી એડ કેમ્પેન કરવાની તૈયારી ચાલુ કરી હોવાનું માનવામાં આવે છે.

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન અને બીસીસીઆઇના અધ્યક્ષ સૌરવ ગાંગુલીને ગયા વરસે જાન્યુઆરીમાં ફોર્ચ્યુન રાઇસ બ્રાન ખાદ્યતેલના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. કોરોનાના પગલે લદાયેલા લૉકડાઉન પિરિયડ દરમિયાન બનાવાયેલી આ જાહેરખબરમાં સૌરવ ગાંગુલી હૃદયની દેખરેખ રાખી રહ્યા હોય એવું દેખાડવામાં આવ્યું હતું. પરંતુ સૌરવને પોતાને હૃદયરોગનો હુમલો આવ્યા બાદ સોશ્યલ મિડિયા પર આ જાહેરખબરની જોરદાર મજાક ઉડાવવામાં આવતાં સૌરવને રજૂ કરતી તમામ જાહેરખબરો પાછી ખેંચી લેવામાં આવી હતી.