ચીનની આર્મી (istockphoto)

ચીને અરુણાચલ સેક્ટરની સામે આવેલા તેના દૂરના વિસ્તારોમાં લશ્કરી કવાયતની સંખ્યા અને લશ્કરી ટુકડીની જમાવટમાં વધારો કર્યો છે. ભારતે તેના જવાબ રૂપે કોઇ પણ સંભવિતતાનો સામનો કરવા માટે કન્ટીજન્સી પ્લાન તૈયાર કર્યો છે, એમ ઇસ્ટર્ન આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ મનોજ પાંડેએ મંગળવારે જણાવ્યું હતું.

કમાન્ડ઼રે ભારપૂર્વક જણાવ્યું હતું કે તાકીદની કોઇ પણ સ્થિતિનો સામનો કરવા ભારતની તૈયારી ઊંચ સ્તરની છે. બંને પક્ષો વાસ્તવિક અંકુશ રેખાની નજીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાના પ્રયાસ કરી રહ્યાં છે અને તેનાથી ઘણીવાર કેટલાંક મુદ્દા ઊભા થાય છે. તેમણે જણાવ્યું હતું કે “વાસ્તવિક અંકુશરેખા નજીક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવામાં આવી રહ્યું હોવાથી સરહદ સુરક્ષા દળોમાં થોડો વધારો થયો છે.”

લેફ્ટનન્ટ જનરલે જણાવ્યું હતું કે ચીનની લશ્કરી કવાયત તેના ડિફેન્સ ફોર્સના વિવિધ એકમોનું સંયુક્ત અભિયાન છે. તે સંકલિત અભિગમ હેઠળ આવી કવાયત કરે છે. આવી ડ્રીલ્સની સંખ્યા અને તીવ્રતામાં વધારો થયો છે. સરહદ પરની ચીનની સીમાની અંદર નવા ગામડા વસાવવામાં આવ્યા છે. ભારતે તેની ઓપરેશનલ સ્ટ્રેટેજીમાં તેની નોંધ લીધી છે, કારણ કે ગામવાસીઓનો ઉપયોગ લશ્કરી હેતુ માટે પણ થઈ શકે છે.

ચીન સાથેની આશરે 1,300 કિમી લાંબા વાસ્તવિક અંકુશ રેખા પર ભારતીય આર્મીની ઓપરેશન તૈયારી પર દેખરેખ રાખતા કમાન્ડરે જણાવ્યું હતું કે માઉન્ટેન સ્ટ્રાઇક્સ કોર્પ હવે સંપૂર્ણપણે કાર્યરત છે. તેમણે કહ્યું હતું કે તેના તમામ યુનિટ, કોમ્બેટ યુનિટ, કોમ્બેટ સપોર્ટ અને લાજિસ્ટિક્સ યુનિટ પણ સંપૂર્ણપણે સાધનસજ્જ છે.

ભારતીય મિલિટરીના આધુનિકરણ અંગે તેમણે જણાવ્યું હતું કે ઇન્ટિગ્રેટેડ બેટલ ગ્રૂપ નામના નવા કોમ્બેટ ફોર્મેશન માટે સૈદ્ધાંતિક મંજૂરી મળી ગઈ છે. આ ગ્રૂપ વધુ અસરકારક અભિગમ સાથે ઝડપથી જમા થઈ શકે છે.