ઉત્તરપ્રદેશમાં ગોટાળાનો એક અજીબોગરીબ કેસ નોંધાયો છે. રાજ્યના મહારાજગંજ જિલ્લામાં મુખ્યમંત્રી સમૂહ વિવાહ યોજના હેઠળ અધિકારીઓએ એવી બેદરકારી દાખવી હતી કે તમને આશ્ચર્ય થશે. આ સમૂહ વિવાહના કાર્યક્રમમાં અગાઉથી લગ્ન કરેલા લોકોને મંડપમાં લાવીને બેસાડવામાં આવ્યા હતા અને તેમના બીજી વખત લગ્ન કરાવવામાં આવ્યા હતા.

આટલું નહીં, પરંતુ આવા નવદંપત્તિને સરકાર તરફથી રૂ.51000ની સહાય પણ ચુકવવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે રાજ્યકક્ષાના કેન્દ્રીય નાણાપ્રધાન પંકજ ચૌધરી હતા. તેમણે આ યોજના લગ્ન કરનારા નવદંપત્તિને આશીર્વાદ પણ આપ્યા હતા.

આ ગોટાળો બહાર આવ્યા બાદ અધિકારીઓને જવાબ આપવામાં મુશ્કેલી પડી રહી છે અને તપાસ કરવાની વાતો કરે છે. મહારાજગંજના કોલ્હુઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા અમરનાથ ચૌધરીએ લગ્ન કરેલા છે. તેમની સાળીના પણ વિવાહ થઈ ચુક્યા છે. પરંતુ તેમને મુખ્યમંત્રી સમુહ વિવાહ યોજના હેઠળ રૂ.51,000ની સન્માન રાશી મળી હતી. આ સહાય રકમ મળ્યા પછી ખબર પડી હતી કે અમરનાથ ચૌધરીના લગ્ન થઈ ચુક્યા છે. કોલ્હુઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવતા પરાસખાંડ ગાંવના ઓમપ્રકાશ ચૌધરીની પુત્રી અનિતા સાથે તેમના લગ્ન થઈ ચુક્યા છે અને બે પુત્રીના પિતા છે. આ મહિને 13 ઓક્ટોબરે મહારાજગંજ જિલ્લામાં 2333 યુગલના લગ્ન મુખ્યમંત્રી સમુહ વિવાહ યોજના હેઠળ કરવામાં આવ્યા હતા.

સમૂહ વિવાદ યોજનામાં બનાવટી લાભાર્થીઓનો ખુલાસા થયા બાદ સમાજ કલ્યાણ અધિકારી સુધીર પાંડેએ જણાવ્યું હતું કે આ મુદ્દાની તપાસ થઈ રહી છે. આ ગોટાળામાં જે કોઇ દોષી હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વિવાદના ખરાઈ અને આયોજન કરનારા અધિકારીઓ સામે પણ પગલાં લેવામાં આવશે.