FILE PHOTO: REUTERS/Kim Kyung-Hoon//File Photo

ચીનના બૈજિંગમાં આગામી વર્ષે યોજાનારા વિન્ટર ઓલિમ્પિક્સમાં કોરોના મહામારીને કારણે વિદેશી પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવશે નહીં. આ રમતોત્સવ માટે ફક્ત ચીનના નાગરિકોને ટિકિટનું વેચાણ કરવામાં આવશે, એમ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક્સ કમિટીએ ગયા સપ્તાહે જણાવ્યું હતું.

IOCએ જણાવ્યું હતું કે માત્ર ફુલી વેક્સિનેટેડ ખેલાડીઓને 21 દિવસના ક્વોરન્ટાઇનમાંથી મુક્તિ મળશે. ખેલાડીઓ પાસે યોગ્ય મેડિકલ કારણ હશે તો તેની વિચારણા કરવામાં આવશે.

ખેલાડીઓએ આગમન વખતે આકરા બબલમાં રહેવું પડશે. ગેમ્સ સંબંધિત એરિયા અને સ્ટેડિયમ તથા એકોમોડેશન, કેટરિંગ તથા ઉદ્ઘાટન સમારંભ અને સમાપન સમારંભમાં બબલના નિયમોનું પાલન થશે.

આ નિર્ણયોની જાહેરાત આઇઓસીએ કરી હતી, પરંતુ તે ચીનના ઓર્ગેનાઇઝર્સે નક્કી કર્યા હતા. આ ગેમ્સ કોરોનાના ફેલાવાનો સ્રોત ન બને તે માટે આ નિયમો બનાવવામાં આવ્યા છે.

કોરોનાને કારણે ટોકિયો 2020 ગેમ્સમાં એક વર્ષનો વિલંબ થયો હતો અને પ્રેક્ષકોને મંજૂરી આપવામાં આવી ન હતી.

બૈજિંગમાં શિયાળુ ઓલિમ્પિક્સ 4થી 20 ફેબ્રુઆરી, 2022 દરમિયાન યોજાશે.