પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ગુજરાત વિધાનસભામાં મંગળવારે રજૂ કરવામાં આવેલા કોમ્પ્ટ્રોલર એન્ડ ઑડિટર જનરલ (કેગના ગુજરાત રાજ્ય ફાઇનાન્સ ઓડિટના રિપોર્ટમાં જણાવાયું હતું કે ગુજરાત સરકારનું જાહેર દેવું વધીને રૂા. 3,15,455 કરોડનું થઈ છે. જોકે રિપોર્ટમાં જણાવાયું હતું કે આ દેવુ ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટિક પ્રોડક્ટ્સ (રાજ્યની જીડીપીના 18.96 ટકા છે. આ પ્રમાણ 14માં નાણા પંચે નક્કી કરેલી 25.76 ટકાની મર્યાદામાં છે.

આ રિપોર્ટ મુજબ ગુજરાત સરકારના 2019-20ના બજેટમાં જાહેર દેવું રૂા.2,67,095 કરોડ રહેવાનો અંદાજ હતો. જોકે સરકારે કરેલા આયોજન મુજબ 2023-24 સુધીમા ગુજરાતનું જાહેર દેવું રૂા. 4,10,989 કરોડની સપાટીએ પહોંચી જવાની ધારણા મૂકવામાં આવી રહી છે.

રિપોર્ટમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં 2019-20માં માથાદીઠ આવક રૂા.2,54,789 રહી હતી, જે ભારતની સરેરાશ માથાદીઠ આવક રૂા.1,51,677 કરતાં વધુ છે.

સરકારે જાહેર દેવું વધાર્યું હોવાથી વ્યાજ પેટે વધુ રકમ ચૂકવવી પડી રહી છે. 2018-19માં વ્યાજ પેટે રૂા. 20,183.36 કરોડની કરવામાં આવેલી ચૂકવણી સામે 2019-20માં રૂા. 22,448.66 કરોડની વ્યાજ પેટે ચૂકવણી કરી હતી. બજારમાંથી લેવામાં આવેલી લોન પર 2019-20માં રૂા. 2498 કરોડ વધુ ચૂકવવા પડયા હતા. આમ કુલ વ્યાજની ચૂકવણી રૂા. 22,449 કરોડની થઈ હતી. ગુજરાત સરકારે 2019-20માં કુલ વ્યાજની કરેલી ચૂકવણીમાં 67.96 ટકા વ્યાજ તો બજારમાંથી લેવામાં આવેલા જાહેર દેવા પેટે જ કરવાની ફરજ પડી હતી.