ચીન સાથે નવું સુરક્ષા ગઠબંધન કર્યું હોવા છતાં સોલોમાન આઇલેન્ડે જણાવ્યું છે કે, તે પોતાના વિસ્તારમાં ચીનની સેનાને મિલિટરી બેઝ બનાવવાની મંજૂરી નહીં આપે. બંને દેશોના અધિકારીઓએ સુરક્ષા અંગેના કરાર કરવા અંગેની શરૂઆત કર્યાના એક દિવસ પછી, સોલોમન આઇલેન્ડના વડા પ્રધાન મનાસેહ સોગાવરેની ઓફિસે શુક્રવારે જણાવ્યું હતું કે, આ કરાર ચીનને મિલિટરી બેઝ સ્થાપવા માટે નિમંત્રણ આપતું નથી. સરકાર દ્વારા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ‘સરકાર મિલિટરી બેઝની સુરક્ષા અંગે સભાન છે, અને તેમના નિરીક્ષણમાં આવી પહેલને મંજૂરી આપવામાં બેદરકાર રહેશે નહીં.
સોગાવરે દ્વારા ચીન સાથેના સુરક્ષા કરારની વિગતો જાહેર કરવામાં આવી નથી, પરંતુ ગેરકાયદે જાહેર થયેલા મુસદ્દાની વિગતોથી ઉદ્દભવેલી ચિંતા વચ્ચે ચાઇનીઝ નૌકાદળના જહાજોને આઇલેન્ડમાં મંજૂરી આપી હતી. જોકે, પ્રધાનોએ હજુ સુધી તેના પર હસ્તાક્ષર કર્યા નથી. ફેડરેટેડ સ્ટેટ્સ ઓફ માઇક્રોનેશિયાના વડાએ ગુરુવારે સોલોમન આઇલેન્ડને સુરક્ષા કરાર પર હસ્તાક્ષર ન કરવા માટે વિનંતી કરી હતી, તેમણે જણાવ્યું હતું કે, તેમને આ બાબતે ‘ગંભીર સુરક્ષા ચિંતાઓ’ છે અને તેમને ડર છે કે ચીન અને અમેરિકા વચ્ચેના યુદ્ધમાં પેસિફિક ફસાઈ શકે છે.
આ સમજૂતી અંગે ન્યૂઝીલેન્ડે પણ ચેતવણી આપી છે, તેનું કહેવું છે કે લાંબા સમયથી ચાલતા પ્રાદેશિક સુરક્ષા સહયોગને અસર થઇ શકે છે. ઓસ્ટ્રેલિયાના સંરક્ષણ પ્રધાન પીટર ડટ્ટને જણાવ્યું હતું કે, તેઓ સોગાવારેના દૃષ્ટિકોણનું સન્માન કરે છે પરંતુ સાવચેત રહેવાની વિનંતી પણ કરે છે.
ડટ્ટને સ્કાય ન્યૂઝને આપેલા એક ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું હતું કે, અમેરિકાને તે પ્રાંતમાં લશ્કરી તંત્રની સ્થાપના નહીં કરે તેવું જણાવવા છતાં ચીને દક્ષિણ ચીનના સમુદ્રમાં લશ્કરના 20 થાણા સ્થાપ્યા હતા અને ઓસ્ટ્રેલિયન સરકારને ડર હતો કે પેસિફિક આઇલેન્ડમાં પણ ચીન આગળ વધી રહ્યું છે.