પાકિસ્તાનની આતંરિક બાબતોમાં કથિત દખલગીરી કરવા બદલ અમેરિકાના સીનિયર ડિપ્લોમેટને બોલાવીને સરકારે તેની સામે સખત વિરોધ દર્શાવ્યો છે, તેવું મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે.
પોતાને સત્તામાંથી કાઢવા માટે વિદેશનું કથિત ષડયંત્રમાં વોશિંગ્ટનની ભૂમિકા હોવાના પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનના દાવાને યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટે ગુરુવારે દૃઢતાપૂર્વક ફગાવ્યો હતો.
69 વર્ષીય ઇમરાન ખાને રાષ્ટ્ર જોગ સંબોધનમાં ‘ધમકીના પત્ર’ની ચર્ચા કરી હતી અને તેને પોતાને સત્તા પરથી દૂર કરવાના વિદેશી ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. કારણ કે તે સ્વતંત્ર વિદેશ નીતિનું પાલન કરવા માટે સ્વીકાર્ય નહોતા. તેણે ધમકીભર્યા પત્ર પાછળના દેશ તરીકે અમેરિકાને જવાબદાર ઠેરવ્યું હતું, જે જીભ લપસી ગઇ હોવાનું જણાયું હતું.
દુનિયા ન્યૂઝે સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે, અમેરિકન ડિપ્લોમેટને ફોરેન ઓફિસ (એફઓ) દ્વારા એક ‘ધમકીભર્યા પત્ર’ પર સમન્સ મોકલવામાં આવ્યું હતું, જેમાં ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષની અવિશ્વાસની દરખાસ્ત નિષ્ફળ જવા પર ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.
ગુરુવારે પાકિસ્તાનની નેશનલ સિક્યુરિટી કાઉન્સિલ (NSC) દ્વારા લેવામાં આવેલા નિર્ણય બાદ આ પગલું લેવામાં આવ્યું છે.
ફોરેન ઓફિસે ચર્ચા દરમિયાન વિદેશી અધિકારી દ્વારા ઉપયોગમાં લેવાતી ભાષાને અંગે અમેરિકન ડિપ્લોમેટને વિરોધ પત્ર પણ સોંપ્યો હતો.
અખબારી રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અમેરિકન ડિપ્લોમેટને કહેવામાં આવ્યું છે કે, ‘પાકિસ્તાનની આંતરિક બાબતોમાં દખલગીરી સ્વીકાર્ય નથી.’
NSC એ ‘દેશ’ ને મજબૂત રાજકીય જવાબ આપવાનું નક્કી કર્યું, જેણે એક ચર્ચામાં, યુક્રેન પર પાકિસ્તાનની નીતિ પર નારાજગી વ્યક્ત કરી અને પછી અમેરિકામાં પાકિસ્તાનના એમ્બેસેડર મસૂદ ખાને આ મુદ્દે ફોરેન ઓફિસને પત્ર મોકલ્યો હતો.
વડા પ્રધાન ઇમરાન ખાને આ પત્રને નેશનલ એસેમ્બલીમાં વિપક્ષ દ્વારા તેમની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ સાથે સંબંધિત ગણાવ્યો હતો. નેશનલ એસેમ્બલીમાં રવિવારે અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન થવાનું છે.
આ અંગે અમેરિકાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, તેણે દેશની વર્તમાન રાજકીય પરિસ્થિતિ અંગે પાકિસ્તાનને કોઈ પત્ર મોકલ્યો નથી.