ચીનના વિદેશ મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, બીજિંગ દ્વારા વોશિંગ્ટન સામે જવાબી કાર્યવાહીના ભાગરૂપે તેમના દેશમાં કાર્યરત તમામ અમેરિકન રાજદ્વારીઓ પર પ્રતિબંધ મુકવામાં આવશે. અગાઉ અમેરિકાએ પોતાના દેશમાં ચાઇનીઝ એમ્બેસીના અધિકારીઓ-કર્મચારીઓ પર કેટલાક પ્રતિબંધ લાદ્યા હતા. વોશિંગ્ટને ચાઇનીઝ ફોરેન મિશન્સના કર્મચારીઓ પર પ્રતિબંધોની જાહેરાત કરતા ચીને પણ પ્રતિબંધો મુકવાની વાત કહી છે. અમેરિકાએ ચાઇનીઝ અધિકારીઓ પર યુનિવર્સિટીઓની મુલાકાત અથવા સ્થાનિક અધિકારીઓ સાથે બેઠક માટે મંજૂરી લેવાનો આદેશ કર્યો હતો.
વોશિંગ્ટન અને બીજિંગ વચ્ચેના સંબંધોમાં ખટરાગ દરમિયાન ચીને અમેરિકાને એક રાજદ્વારીય પત્ર મોકલ્યો છે. જેમાં ચાઇનીઝ લોકો પર અમેરિકમાં પ્રતિબંધોનો જવાબ આપતા બીજિંગે અમેરિકાને પોતાના ખોટા નિર્ણયોને ઝડપથી પરત લેવા આગ્રહ કર્યો છે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક દિવસોથી અમેરિકાએ હોંગકોંગ અને શિનજિયાંગ પ્રાંતમાં માનવાધિકારોના દુરુપયોગ અને દક્ષિણ ચીન સાગરમાં વિવાદિત ચોકીઓના સૈન્યકરણ માટે ઘણી ચાઇનીઝ વ્યક્તિઓ અને સંસ્થાઓ પર પ્રતિબંધ પ્રતિબંધ મુકવામાં આવ્યા હતા.
ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઝાઓ લિજિયાનને મીડિયા સાથેની ચર્ચામાં જણાવ્યું હતું કે, ચાઇનીઝ વ્યક્તિઓ અને સંસ્થાઓ વિરુદ્ધ અમેરિકાની કાર્યવાહી ખોટી છે અને વોશિંગ્ટન ચીનની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ કરે છે.
જોકે, તેમણે જણાવ્યું હતું કે, ચીન બંને દેશાના તમામ ક્ષેત્રો વચ્ચે સામાન્ય સંબંધો અને સહયોગ જાળવશે. ઉપરાંત ચાઇનીઝ એમ્બેસી અને કોમર્સ એમ્બેસી તમામ ક્ષેત્રો સાથે સામાન્ય વાતચીત જાળવી રાખશે.