પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારતના કેન્દ્રીય ગૃહ મંત્રાલય બુધવારે જાહેર કરેલી કોરોનાની નવી ગાઈડલાઈન્સમાં સિનેમા હોલ અને થિયેટર્સને વધારે રાહત મળી છે. સિનેમા હોલ માટે 50 ટકાની મર્યાદા ઉઠાવી લેવામાં આવી છે અને સ્વિમિંગ પૂલ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. આ નવી ગાઈડલાઈન્સ 1 ફેબ્રુઆરીથી અમલમાં આવશે.

સિનેમા હોલ અને થિયેટર્સમાં 50 ટકા બેઠકની મંજૂરી અગાઉ આપવામાં આવી હતી. હવે તેમાં વધારો કરીને બેઠક ક્ષમતામાં વધારવામાં આવી છે. આ ઉપરાંત સ્પોર્ટ્સ અને યુથ અફેર્સ મંત્રાલય દ્વારા એસઓપી જાહેર કર્યા બાદ સ્વિમિંગ પૂલ્સ પણ શરૂ થઈ શકે છે. એક્ઝિબિશન હોલ્સ પણ નવી એસઓપી પ્રમાણે ખૂલી શકે છે. હાલમાં રમતવીરો માટે સ્વિમિંગ પૂલ્સ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. હવે સ્વિમિંગ પૂલ્સ તમામ લોકો માટે ખુલશે.

રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ કોવિડ-19 માટેની તમામ ગાઈડલાઈનનું પાલન કરાવવાનું રહેશે. જેમાં લોકો ફેસ માસ્ક પહેરે, સેનિટાઈઝર્સ અને સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તે સુનિશ્ચિત કરવાનું રહેશે. આ ઉપરાંત 65 વર્ષથી વધુની વયના લોકો, બીમારી ધરાવતા લોકો, ગર્ભવતી મહિલાઓ અને 10 વર્ષથી નીચેના બાળકો બિનજરૂરી પ્રવૃત્તિઓ માટે પણ ઘરની બહાર જઈ શકશે પરંતુ તેમને સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.