વારાણસીમાં 2021ના નવા વર્ષની વધાવવામાં આવ્યું હતું. પૂજારીએ ગંગા આરતીી કરી હતી. (PTI Photo)

ઉત્તર ભારતમાં શીતલહેર સાથે નવા વર્ષનો પ્રારંભ થયો હતો. દિલ્હીમાં શુક્રવારે ગરમીનો પારો ઘટીને 1.1 ડિગ્રી સેલ્સિયસ થયો હતો, જે 15 વર્ષમાં સૌથી નીચું તાપમાન છે, એમ હવામાન વિભાગે જણાવ્યું હતું.કેટલાય રાજ્યોમાં ધુમ્મસ અને ઝાકળ છવાઈ જતાં સામાન્ય નજીવન પ્રભાવિત થયું હતું. ગુરુવારે જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાય સ્થળોએ તાપમાન માઈનસમાં પહોંચી ગયું હતું.
ગુજરાતમાં કોલ્ડવેવ યથાવત્ રહી છે અને ૫ ડિગ્રી સાથે નલિયામાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. વર્ષ ૨૦૨૧ના પ્રારંભે ૩-૪ જાન્યુઆરીએ સાબરકાંઠા-દાહોદમાં હળવા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી.

પાટનગર દિલ્હી હાડ ગાળતી ઠંડીમાં થીજી ગયું હતું. દિલ્હીમાં ડિસેમ્બરનું તાપમાન ૧૫ વર્ષમાં બીજી વખત સૌથી નીચે રહ્યું હતું. ધુમ્મસ અને કોલ્ડવેવના કારણે દિલ્હીની દિનચર્યા ઠંડી રહી હતી. જમ્મુ-કાશ્મીરના કેટલાય સ્થળો શૂન્યથી નીચે થીજી ગયા હતા. ગુલમર્ગનું તાપમાન માઈન ૧૦.૪, શ્રીનગરનું માઈનસ ૫.૯, કુપવાહાનું માઈનસ ૫.૮, કોકરનાગનું માઈનસ ૭.૮ નોંધાયું હતું.

હિમાચલપ્રદેશના પણ કેટલાય સ્થળોનું તાપમાન શૂન્યની નીચે પહોંચ્યું હતું. કીલોંગ માઈનસ ૧૨.૨ ડિગ્રી સાથે હિમાચલનું સૌથી ઠંડુ સ્થળ બન્યું હતું. તે ઉપરાંત કલ્પા માઈન ૩.૮ મનાલી માઈનસ ૧.૬ ડિગ્રીએ થીજી ગયા હતા.
ગુરુવારે રાજસ્થાનના માઉન્ટ આબુનું મિનિમમ તાપમાન માઈનસ ૪.૪ ડિગ્રીએ સ્થિર થયું હતું. રણ વિસ્તારોમાં પણ ઠંડો પવન અનુભવાયો હતો. પંજાબ-હરિયાણાના કેટલાય સ્થળો ઠંડાગાર થયા હતા. ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડમાં પણ ઠંડો પવન ફૂંકાયો હતો. ઉત્તર પ્રદેશમાં ભારે ધુમ્મસ અને ઝાકળનું વાતાવરણ રહ્યું હતું. એના કારણે દિવસભર વાહન વ્યવહાર પ્રભાવિત થયો હતો.