રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી (ફાઇલ ફોટો) (Photo by CHANDAN KHANNA/AFP via Getty Images)

એશિયાના સૌથી ધનિક વ્યક્તિ તરીકેનું રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણીનું બિરુદ વર્ષના છેલ્લા દિવસે છીનવાઇ ગયું હતું. ચીનના બોટલ વોટર કિંગ કહેવાતા ઝોંગ શાનશને આ બિરુદ છીનવી લીધું હતું.

66 વર્ષીય ઝોંગ શાનશન હવે એશિયાના સૌથી વધુ અમીર વ્યક્તિ બની ગયા હતા. પત્રકાર, મશરૂમ ફાર્મિંગ અને હેલ્થ કેરમાં પોતાનો હાથ અજમાવી ચુકેલા ઝોંગે મુકેશ અંબાણી અને જેક માને પાછળ મૂકી દીધા હતા. બ્લૂમબર્ગ મિલેનિયર્સ ઇન્ડેક્સમાં જણાવ્યા મુજબ ચાલુ વર્ષે ઝોંગની સંપત્તિ 70.9 બિલિયન ડોલર્સ વધીને 77.8 બિલિયન ડોલર્સ થઇ ગઇ હતી. 2020ના વર્ષમાં ઝોંગની સંપત્તિમાં થયેલા આ વધારાના પગલે તેઓ વિશ્વના પરના સૌથી અમીર વ્યક્તિમાં 11મા સ્થાને પહોંચી ગયા હતા.

મુકેશ અંબાણી માટે પણ 2020નું વર્ષ અસાધારણ રહ્યું હતું. આ વર્ષમાં તેમની સંપર્તિ 18.3 બિલિયન ડોલર વધીને 76.9 બિલિયન ડોલર થઈ હતી.

ઝોંગની વેક્સિન નિર્માણ કંપની બેઇજિંગ વાનતાઇ બાયોલોજિકલ ફાર્મસી એન્ટરપ્રાઇઝનું આ વર્ષના એપ્રિલમાં શૅરબજારમાં લિસ્ટિંગ કરાવવામાં આવ્યું હતું. આના એક મહિના બાદ ઝોંગે પોતાની વોટર બોટલ કંપની નોન્ફ્ગૂ સ્પ્રીંગ કંપનીને હોંગકોંગ શૅરબજારમાં લિસ્ટ કરાવી હતી. તે સુપરહિટ આઇપીઓ સાબિત થયો હતો. વોટર બોટલ કંપનીના શેર 155 ટકા પ્રીમિયમ લિસ્ટ થયો હતો.

ચીનના જેજિયાંગ પ્રાંતના હોંગજોઉમાંથી આવેલા ઝોંગે કારકિર્દીનો આરંભ એક કંપનીમાં શ્રમિક તરીકે કર્યો હતો. તે પછી પ્રેસ રિપોર્ટર બન્યા હતા. ત્યાર પછી તેમણે પીવાના પાણીના બિઝનેસમાં ઝુકાવ્યું હતું. અત્યાર સુધી વિશ્વના સૌથી અમીર લોકોમાં મોટે ભાગે ટેક્નોલોજી સાથે સંકળાયેલા લોકોનાં નામ આવતાં હતાં. આ પહેલીવાર વોટર બોટલ કંપનીના માલિક સૌથી અમીર લોકોની યાદીમાં સ્થાન પામ્યા હતા.