મહારાષ્ટ્ર કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભાના ભૂતપૂર્વના સ્પીકર શિવરાજ પાટીલનાં પુત્રવધૂ અર્ચના પાટીલ ચાકુરકર શનિવારે મુંબઇમાં ભારતીય જનતા પાર્ટી (BJP)માં જોડાયા હતા. ડૉ. અર્ચના પાટીલ ચાકુરકર એક દિવસ અગાઉ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના દક્ષિણ મુંબઈમાં તેમના સત્તાવાર નિવાસસ્થાન ‘સાગર’ ખાતે મળ્યા હતા. તે ઉદગીરમાં ‘લાઇફકેર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર’ના અધ્યક્ષ છે અને તેમના પતિ શૈલેષ પાટીલ ચાકુરકર કોંગ્રેસના રાજ્ય સચિવ છે. શિવરાજ પાટીલ 2004થી 2008 વચ્ચે UPA સરકારમાં કેન્દ્રીય ગૃહ પ્રધાન હતા.

અર્ચના પાટીલ ચાકુરકરે મુંબઈમાં મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસની હાજરીમાં ભાજપનું સભ્યપદ સ્વીકાર્યું હતું. આ પ્રસંગે દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, આજે અર્ચના પાટીલે ભાજપમાં પ્રવેશ કર્યો તે ખૂબ જ આનંદની વાત છે. તેમને સામાજિક કાર્યકર તરીકે 30 વર્ષનો અનુભવ છે. માત્ર લાતુર જિલ્લા માટે જ નહીં પરંતુ મરાઠવાડાને પણ સારું નેતૃત્વ પૂરું પાડવામાં આવ્યું છે. અમે 2019માં એવો પ્રસ્તાવ પણ મૂક્યો હતો કે તમે ચૂંટણી લડો.
અર્ચના ભાજપમાં જોડાશે તેવી અટકળો ઘણા સમયથી ચાલી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી પણ ચર્ચા છે કે કોંગ્રેસમાંથી ભાજપમાં જોડાયેલા અશોક ચવ્હાણે તેમની પાર્ટીમાં પ્રવેશ માટે મધ્યસ્થી કરી હતી.

LEAVE A REPLY

four − three =