કોરોના વાઈરસની મહામારી સામે જારી લડતમાં લાગુ કરવામાં આવેલા લૉકડાઉનના કારણે મજૂર લાંબા સમયથી ફસાયેલા હતા. હવે જ્યારે લગભગ એક મહિના બાદ ઘરે જવાની પરવાનગી મળી તો કેન્દ્ર સરકારે રેલવેનો તમામ ખર્ચ મજૂરો પાસેથી વસૂલવાનો નિર્ણય લીધો. આ વિશે જોરશોરથી રાજકીય નિવેદનબાજી થઈ અને હવે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોટો નિર્ણય લીધો છે.

કોંગ્રેસ પાર્ટી તમામ જરૂરિયાત મંદ મજૂરોનો રેલવે ટિકિટનો ખર્ચ ઉઠાવશે.કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ નિર્ણય લીધો છે કે પ્રદેશ કોંગ્રેસ કમિટીના દરેક એકમ શ્રમિક-કારીગરના ઘરે જવાની ટ્રેનની ટિકિટનો ખર્ચ ઉઠાવશે અને જરૂરી પગલા લેશે. સોમવારે જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યુ છે કે માત્ર ચાર કલાકના નોટિસ પર લોકડાઉન લાગુ થવાના કારણે દેશના મજૂર પોતાના ઘરે જવાથી વંચિત રહી ગયા છે.

1947 બાદ દેશે પહેલી વાર આ રીતની ઘટના જોઈ કે લાખો મજૂર પગપાળા જ હજારો કિલોમીટર ચાલીને ઘરે જઈ રહ્યા છે. સોનિયા ગાંધીએ તેમના નિવેદનમાં કહ્યુ કે જો આપણે વિદેશમાં ફસાયેલા ભારતીયોને કોઈ ખર્ચ કર્યા વિના પાછા લાવી શકતા હોઈએ, ગુજરાતમાં એક કાર્યક્રમમાં સરકારી ખજાનામાંથી 100 કરોડ રૂપિયા ખર્ચ કરી શકતા હોઈએ, જો રેલવે મંત્રાલય પ્રધાનમંત્રી રાહત ફંડમાં 151 કરોડ રૂપિયા આપી શકતા હોય તો પછી મુશ્કેલ સમયમાં મજૂરોના ભાડાનો ખર્ચ કેમ ઉઠાવી ના શકીએ?