ચીનના વુહાન શહેરથી શરૂ થયેલા કોરોના વાયરસે વિશ્વના બે લાખથી પણ વધારે લોકોનો ભોગ લીધો છે ત્યારે ચીન પર આ મહામારી અંગેની જાણકારી છુપાવવાનો આરોપ લાગી રહ્યો છે. આ દરમિયાન એક ગુપ્ત દસ્તાવેજના આધારે અમેરિકી અધિકારીઓએ ચીને સમયસર કોરોના વાયરસના પ્રકોપની ગંભીરતા વિશ્વ સમક્ષ રજૂ ન કરી હોવાનો દાવો કર્યો છે.

અહેવાલ પ્રમાણે કોરોના વાયરસની ગંભીરતા અંગેની જાણકારી છુપાવીને ચીને આયાતમાં વૃદ્ધિ કરી હતી અને ચિકિત્સા પુરવઠાની નિકાસમાં ઘટાડો કર્યો હતો. ઉપરાંત ચીને જાન્યુઆરી મહીનામાં જ વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનને કોરોના વાયરસ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં ફેલાતી બીમારી છે તેવી જાણ કરી દીધી હતી.

ચીને પોતે આ વાયરસનો સામનો કરી શકે અને મહામારી સામે લડવા માટે મેડિકલ સપ્લાય એકત્રિત કરી શકે તે માટે તેની જાણકારી છુપાવી હતી. એસોસિએટેડ પ્રેસે મેળવેલા હોમલેન્ડ સિક્યોરિટી વિભાગના ચાર પાનાના રિપોર્ટમાં ચીની નેતાઓએ જાણીજોઈને જાન્યુઆરીની શરૂઆતમાં વિશ્વ સમક્ષ મહામારીની ગંભીરતા છુપાવી હોવાનો દાવો કરાયો છે. અગાઉ રાજ્યના સચિવ માઈક પોમ્પિયોએ પણ કોરોના વાયરસના પ્રસાર માટે ચીનને જવાબદાર અને ઉત્તરદાયી ગણાવવામાં આવે તેમ જણાવ્યું હતું.

આ તરફ ચીન વિરૂદ્ધના આકરા નિવેદનોને લઈ ટ્રમ્પ પ્રશાસનના ટીકાકારોએ વાયરસ અંગેની સરકારની પ્રતિક્રિયા, કામગીરીને અપૂરતી અને ધીમી ગણાવી છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના રાજકીય વિરોધીઓએ ઘરમાં ટીકાથી બચવા પ્રશાસન ચીનની ટીકા કરીને ધ્યાન ભટકાવવા પ્રયત્ન કરી રહ્યું છે તેવો આરોપ લગાવ્યો હતો.