(ANI Photo)

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) 2027-29 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન નાના દેશો માટે ચાર દિવસની ટેસ્ટને મંજૂરી આપવા તૈયાર છે, જોકે ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પરંપરાગત પાંચ દિવસની મેચ રમી શકે છે, એમ મીડિયા અહેવાલમાં જણાવાયું હતું.

આ આ પગલાંથી દરેક ટેસ્ટમાં એક દિવસ બચી જશે અને સ્પર્ધામાં વધારો થશે. આ ઉપરાંત તેના ક્રિકેટ ચાહકોને ટેસ્ટ ક્રિકેટ માટે ફરી આકર્ષવામાં પણ મદદ મળશે.

મીડિયા રીપોર્ટ મુજબ લોર્ડઝ ખાતે ગયા સપ્તાહે રમાયેલી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ દરમિયાન આ મુદ્દા પર ચર્ચાવિચારણા થઈ હતી અને તે દરમિયાન આઇસીસીના ચેરમેન જય શાહે ચાર દિવસીય ટેસ્ટને સહકાર આપવા અગે હકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. જોકે આ મંજૂરી તાત્કાલિક નહીં, પરંતુ 2027થી 2029ની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની સાઇકલ વખતે આપી શકાય તેમ છે. આ ફેરફાર ભારત, ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પર લાગું પડશે નહીં અને તેમને પાંચ દિવસની ટેસ્ટ રમવાની મંજૂરી અપાશે. જેમાં એશિઝ, બોર્ડર-ગાવસ્કર ટ્રોફી અને એન્ડરસન-તેંડુલકર ટ્રોફી સામેલ હશે.

અગાઉ આઇસીસીએ 2017માં ઇંગ્લેન્ડ અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાયેલી ટેસ્ટ સિરીઝમાં ચાર દિવસની ટેસ્ટને મંજૂરી આપી હતી. ગયા મહિને ટ્રેન્ટ બ્રિજ ખાતે ઇંગ્લેન્ડની ટીમ ઝિમ્બાબ્વે સામે ચાર દિવસની ટેસ્ટ રમ્યું હતું અને તે અગાઉ 2019 અને 2023માં તે આયર્લેન્ડ સામે પણ ચાર ચાર દિવસની ટેસ્ટ રમ્યું હતું.

ઘણા નાના દેશો ટેસ્ટ મેચ યોજતા ખચકાટ અનુભવે છે કેમ કે તેમાં તેમનો સમય અને ખર્ચ વધી જાય છે પરંતુ ચાર દિવસીય ટેસ્ટનું આયોજન થાય તો તેઓ ત્રણ સપ્તાહથી ઓછા સમયમાં ત્રણ ટેસ્ટની સિરીઝ રમી શકે તેમ છે. ચાર દિવસની ટેસ્ટમાં રમતના કલાકો વધારી શકાય છે અને હાલના 90 ઓવરના નિયમને બદલે તેમાં દિવસમાં 98 ઓવર ફરજિયાત કરી શકાય છે.

Leave a reply

  • Default Comments (0)
  • Facebook Comments