પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

નેશનલ કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગ (NCERT)એ ધો. 10ના પાઠ્યુપસ્તકોમાંથી પીરીયોડિકલ ટેબલ, રાષ્ટ્રીય અર્થતંત્રમાં કૃષિના યોગદાન, લોકશાહી સામેના પડકારો સહિતના પ્રકરણોને હટાવી દેતા વિવાદ સર્જાયો છે. NCERTએ દસમા ધોરણના સામાજિક વિજ્ઞાન તેમજ ધોરણ 11 અને 12ના રાજકીય વિજ્ઞાનના ઘણા પાઠ કાઢી નાખ્યા છે. તેમાં લોકશાહી અને વિવિધતા, જન સંઘર્ષ અને ચળવળ, રાજકીય પક્ષો જેવા પાઠ સામેલ છે. આ ઉપરાંત ધો.10ના રસાયણશાસ્ત્રના પુસ્તકમાંથી ચાર્લ્સ ડાર્વિનનો ઉત્ક્રાંતિનો સિદ્ધાંત, પૃથ્વી પર જીવનની ઉત્પત્તિ, માનવ ઉત્ક્રાંતિ, આનુવંશિકતા અને ઉર્જાનો સ્ત્રોત જેવા વિષયોને કાયમ માટે દૂર કર્યા છે.

NCERT ગયા વર્ષે નિષ્ણાતોની ભલામણોના આધારે “રેશનાલાઇઝેશન” કવાયતના ભાગરૂપે આ ફેરફારોની જાહેરાત કરી હતી, પરંતુ કાઢી નાંખવામાં આવેલા અને ઉમેરવામાં આવેલા પ્રકરણો સાથેના નવા પાઠ્યપુસ્તકો હવે બજારમાં આવ્યા છે.

ધોરણ 10ના રસાયણશાસ્ત્રના પાઠ્યપુસ્તકમાં વિદ્યાર્થીઓને સામયિક કોષ્ટકનો પરિચય કરાવતા સમગ્ર પ્રકરણને પડતું મૂકવામાં આવ્યું છે. પરંતુ તે ધોરણ 11ના અભ્યાસક્રમનો એક બની રહેશે. આ ટોપિકના મહત્વ પર ભાર મૂકતા વર્ગ 11ના રસાયણશાસ્ત્રની પાઠયપુસ્તકમાં અમેરિકન રસાયણશાસ્ત્રી ગ્લેન ટી સીબોર્ગ ટાંકીને જણાવાયું છે કે “રસાયણશાસ્ત્રમાં પીરિયોડિકલ ટેબલ નિશંકપણે સૈદ્ધાંતિક અને પ્રેક્ટિકલ રીતે સૌથી મહત્ત્વનો કન્સેપ્ટ છે..

NCERTએ ગયા વર્ષે જણાવ્યું હતું કે કોરોના મહામારીને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓ પર વિષયસામગ્રીનો ભાર ઘટાડવો જરૂરી છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 વિષયસામગ્રીનો ભાર ઘટાડવા અને સર્જનાત્મક માનસિકતા સાથે પ્રાયોગિક શિક્ષણ માટેની તકો પૂરી પાડવા પર પણ ભાર મૂકે છે. ગયા વર્ષે ધોરણ 10 વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી કાઢી નાખવામાં આવેલા અન્ય ફકરાઓમાં “ઉત્ક્રાંતિ” પરના ફકરાઓનો સમાવેશ થાય છે. ધોરણ 6, 7 અને 8ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકોમાંથી ફાઈબર અને ફેબ્રિક્સ અંગેના પ્રકરણને દૂર કરાયું છે. ધોરણ 9ના વિજ્ઞાનના પાઠ્યપુસ્તકમાંથી “આપણે શા માટે બીમાર પડીએ છીએ” પ્રકરણને કાઢી નાંખવામાં આવ્યું છે.

એનસીઇઆરટી ઓવરલેપિંગ, હાલના સંદર્ભ કાળગ્રસ્ત, સમજવામાં મુશ્કેલ અને બાળકો માટે સરળતાથી સુલભ અને સ્વ-શિક્ષણથી શીખી શકાય છે તેવા કારણો આપીને આ ફેરફારો કર્યા છે.

NCERT પાઠ્યપુસ્તકોમાંથી ઘણા વિષયો અને ભાગોને ગયા મહિને કાઢી નાખવાથી વિવાદ સર્જાયો હતો. વિવાદનું મુખ્ય કારણ એ હતું કે આ ફેરફારોનું નોટિફિકેશન બહાર પાડ્યું હતું, પરંતુ કેટલાંક એવા પ્રકરણો કાઢી નાખ્યા છે, જેનો નોટિફિકેશનમાં ઉલ્લેખ કરાયો ન હતો. તેથી છુપી રીતે કેટલાંક પ્રકરણો કાઢી નાંખવાનો આક્ષેપ થયો હતો. NCERTએ નિષ્ણાતોને ભલામણને આધારે ફેરફાર કરાયા હોવાની દલીલ કરી હતી. જોકે પછીથી પોતાનું વલણ બદલીને જણાવ્યું હતું કે નજીવા ફેરફારનું નોટિફેકશન જારી કરવાની જરૂર નથી.

LEAVE A REPLY

3 × two =