અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા આવેલા કેલોરેક્સ ફ્ચુચર નામની સ્કૂલમાં ઇદના દિવસે વિદ્યાર્થીઓને નમાઝ પઢાવવામાં આવી હોવાના એક વીડિયોને મુદ્દે મંગળવારે વિવાદ ઊભો થયો હતો. સોશિયલ મીડિયામાં આ વીડિયો વાયરલ થયા પછી વિશ્વ હિન્દુ પરિષદ (વીએચપી) અને બજરંગ દળ જેવા હિન્દુવાદી સંગઠનોએ સ્કૂલ પર જઇને વિરોધ કર્યો હતો. આ મુદ્દે શિક્ષકો સાથે કથિત મારપીટ કરવામાં આવી હોવાના રીપોર્ટ મળ્યા હતા. રાજ્ય સરકારે આ મામલે તપાસનો આદેશ આપ્યો હતો.

બીજી તરફ એબીવીપીએ સ્કૂલના પ્રિન્સિપાલને સસ્પેન્ડ કરવામાં અને સ્કૂલ સામે પગલાં લેવાની ઉગ્ર માગણી કરી હતી. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી હતી અને નમાઝ પઢાવવા બાબતે જવાબ માંગ્યો હતો.
ગુજરાત ABVPના મીડિયા સંયોજક મીત ભાવસારે જણાવ્યું હતું કે “અમને એક વિડિયો મળ્યો જેમાં બતાવવામાં આવ્યું હતું કે શાળાના હિંદુ વિદ્યાર્થીઓને એક પ્રવૃત્તિ દરમિયાન નમાઝ અદા કરવાની ફરજ પાડવામાં આવી હતી. અમારા વિરોધને પગલે, શાળાના મેનેજમેન્ટે માફી માંગી છે અને ખાતરી પણ આપી છે કે ભવિષ્યમાં આવી પ્રવૃત્તિઓ કરવામાં આવશે નહીં કારણ કે શાળામાં માત્ર હિન્દુ વિદ્યાર્થીઓ જ અભ્યાસ કરે છે,”

શાળાના આચાર્ય નિરાલી ડગલીએ જણાવ્યું હતું કે તહેવારો પહેલા વિદ્યાર્થીઓને વિવિધ ધર્મો અને તેમની પ્રથાઓથી વાકેફ કરવાની શાળાની પરંપરા છે. ઈદને ધ્યાનમાં રાખીને અમે ધોરણ 2 ના વિદ્યાર્થીઓને તહેવાર વિશે શીખવવા માટે આ પ્રવૃત્તિનું આયોજન કર્યું હતું. અમે સંવત્સરી અને ગણેશ ચતુર્થી સહિતના તમામ ધર્મોના તહેવારો પહેલા આવી પ્રવૃત્તિઓ યોજીએ છીએ. કોઈ પણ વિદ્યાર્થીને નમાઝ અદા કરવાની ફરજ પાડવામાં આવી ન હતી. માત્ર બે મિનિટની પ્રવૃત્તિ હતી, અને જે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો તેઓએ તેમના માતાપિતા પાસેથી સંમતિ લીધી હતી.

LEAVE A REPLY