ફાઇલ ફોટો ગુજરાતના ભૂતપૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Photo by SAM PANTHAKY/AFP via Getty Images)

કોરોના મહામારીની સંભવિત ત્રીજી લહેરનો સામનો કરવા માટે ગુજરાત સરકારે સોમવારે એક્શન પ્લાનની જાહેરાત કરી હતી. આ પ્લાન હેઠળ સરકાર રાજ્યમાં મેડિકલ ઓક્સિજન, વેન્ટિલેટર, બેડની સુવિધાઓમાં વધારો કરશે. ઓક્સિજન બેડની સંખ્યા 61,000થી વધારી 1.10 લાખ, ICU બેડની સંખ્યા 15,000થી વધારીને 30,000, વેન્ટિલેટરની સંખ્યા 7,000થી વધારીને 15,000 કરવામાં આવશે. આ ઉપરાંત કોવિડ ફેસિલિટી 1800થી 2400 કરાશે અને ઓક્સિજન ક્ષમતા 1150 મેટ્રીક ટનથી 1800 મેટ્રિક ટન કરાશે. સરકાર સ્પેશિયાલિસ્ટ તબીબોની સંખ્યા 2,350 વધારી 4,00 કરશે.

ગાંઘીનગરમાં એક્શન પ્લાનની જાહેરાત કરતાં રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે કોરોનાની બીજી લહેરમાં ઘણો સંઘર્ષ કરવો પડ્યો છે. નિષ્ણાતો કહે છે કે ત્રીજી લહેર આવશે. ત્રીજી લહેરની સંભાવના છે તેથી એક્શન પ્લાન રજૂ કરવામાં આવી રહ્યો છે. લોકોને ત્રીજી લહેરમાં તકલીફ ન પડે તે માટે સરકાર કટીબદ્ધ છે. હોસ્પિટલમાં જરૂરી દવાઓ ઓક્સિજન પર ધ્યાન આપવામાં આવશે. સરકારે ત્રીજી લહેરમાં બેડની સંખ્યા 1 લાખથી વધુ કરવામાં આવશે.

કોરોનાની સારવારમાં વપરતી દવાઓ રેમડેસિવિર, એમ્ફોટેરિસિન-બી, ટોસિસ્લિઝુમેબ, ફેવિપેરાવિર ટેબલેટ વગેરે દવાઓનો પૂરતો જથ્થો ખરીદવામાં આવશે. સરકાર RTPCR ટેસ્ટની સંખ્યા રોજના 75,000થી વધારી 1.25 લાખ કરાશે અને કુલ ટેસ્ટની સંખ્યા જે દરરોજ 1.75 લાખથી વધારી 2.5 લાખ કરવામાં આવશે.