ન્યૂઝિલેન્ડે પોતાના બોલર્સના અસરકારક દેખાવ સાથે ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટમાં ચોથા દિવસે આઠ વિકેટે વિજય મેળવી બે ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી. વિજય બાદ ન્યૂઝિલેન્ડના ટોમ લાથમના હાથમાં ટ્રોફી. (Photo by LINDSEY PARNABY/AFP via Getty Images)

ન્યૂઝિલેન્ડે પોતાના બોલર્સના અસરકારક દેખાવ સાથે ઈંગ્લેન્ડ સામે એજબેસ્ટન ખાતેની બીજી ટેસ્ટમાં ચોથા દિવસે આઠ વિકેટે વિજય મેળવી બે ટેસ્ટની શ્રેણી ૧-૦થી જીતી લીધી હતી. આ રીતે, ન્યૂઝિલેન્ડે ઈંગ્લેન્ડને તેની જ ભૂમિ પર ૨૨ વર્ષ પછી ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતુ. ઈંગ્લેન્ડ ૨૦૧૪ પછી પહેલી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હાર્યું હતું.

ઈંગ્લેન્ડના ૩૦૩ના સામે ન્યૂઝિલેન્ડે પહેલી ઈનિંગમાં ૩૮૮ રન કર્યા પછી ઈંગ્લેન્ડ બીજી ઈનિંગમાં ફક્ત ૧૨૨ રનમાં તંબુ ભેગું થતાં ન્યૂઝિલેન્ડે વિજય માટે ૩૮ રનનો મામુલી ટાર્ગેટ મળ્યો હતો, જે તેણે ચોથા દિવસે બે વિકેટ ગુમાવી હાંસલ કરી લીધો હતો.

બંને ઈનિંગમાં ૩-૩ વિકેટ લેવા બદલ હેનરીને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. પ્રથમ ટેસ્ટમાં બેવડી સદી કરનારા નવોદિત કોન્વૅને પ્લેયર ઓફ ધ સિરિઝ જાહેર કરાયો હતો.

સુકાની વિલિયમસન ઈજાના કારણે ખસી જતાં ન્યૂઝિલેન્ડનું સુકાન બીજી ટેસ્ટમાં લાથમે સંભાળ્યું હતું અને ટીમ ટેસ્ટની સાથે શ્રેણી પણ જીતી ગઈ હતી.

ન્યૂઝિલેન્ડનો ઈંગ્લેન્ડની ભૂમિ પર આ માત્ર ત્રીજો ટેસ્ટ શ્રેણી વિજય છે. અગાઉ તે ૧૯૮૬માં ૩ ટેસ્ટની શ્રેણીમાં ૧-૦થી અને ૧૯૯૯માં ૪ ટેસ્ટની શ્રેણી ૨-૧થી વિજેતા રહ્યું હતું.

એ પછી, ૨૨ વર્ષમાં ન્યૂઝિલેન્ડનો આ પાંચમો ઈંગ્લેન્ડ પ્રવાસમાં છે. અગાઉની ચારમાંથી ત્રણમાં ઈંગ્લેન્ડ વિજેતા રહ્યું હતું, તો એક શ્રેણી ડ્રો રહી હતી.