દિવાળીના ઉત્સવોને કારણે છેલ્લાં પાંચ દિવસમાં ગુજરાતમાં અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જિલ્લામાં કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો હતો. 15 નવેમ્બરથી લાભ પાંચમ સુધી એટલે પાંચ દિવસમાં જ ગુજરાતમાં કોરોનાના 5742 કેસ નોધાયા હતા અને 33 વ્યક્તિના મૃત્યું થયાં હતા.

ગુજરાતમાં 15 નવેમ્બરના 1070, 16 નવેમ્બરના 926 કેસ નોંધાયા હતા. જોકે, આ પછી કેસની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થવા લાગ્યો હતો. 17 નવેમ્બરે 1125, 18 નવેમ્બરે 1281 જ્યારે 19 નવેમ્બરે 1340 કેસ નોંધાયા હતા.

આમ 15 નવેમ્બરની સરખામણીએ લાભ પાંચમના કેસના પ્રમાણમાં 25 ટકાથી વધુનો વધારો નોંધાયો હતો. ગુજરાતમાં ગત સપ્તાહે એટલે કે 12 નવેમ્બરના એક્ટિવ કેસનો આંક 12221 હતો અને તે હવે વધીને 12677 થયો છે. આ બંને બાબત પરથી જ ગુજરાતમાં કોરોના વાયરસની સ્થિતિ ગંભીર બની હોવાનો સંકેત મળે છે.

15 નવેમ્બરથી લાભ પાંચમ એમ પાંચ દિવસમાં અમદાવાદ જિલ્લામાં કોરોનાના 1144 નવા કેસ નોંધાયા છે જ્યારે 18ના મૃત્યું થયાં હતા. અમદાવાદ જિલ્લામાં 15 નવેમ્બરે 219, 16મીના 225, 17મીના 234, 18મીના 220 અને 19મીના 246 નવા કેસ સામે આવ્યા હતા.. આમ, અમદાવાદમાં 11 નવેમ્બરથી સતત 200થી વધુ દૈનિક કેસ નોંધાઇ રહ્યા છે.

આ સિવાય 15થી 19 નવેમ્બર દરમિયાન સુરતમાં કુલ 971 નવા કેસ સામે આવ્યા હતા, જેમાં છેલ્લા બે દિવસથી સતત 200થી વધારે કેસ નોંધાઇ રહ્યા છે. રાજકોટમાં છેલ્લા પાંચ દિવસ દરમિયાન કોરોનાના 667 કેસ અને વડોદરામાં 689 નવા કેસ સામે આવ્યા હતા. રાજકોટમા 18 નવેમ્બરે દૈનિક કેસનો આંક 161 થયો હતો. આમ, ગુજરાતના ચાર જિલ્લામાં જ છેલ્લા પાંચ દિવસમાં કોરોનાના 3471 કેસ નોંધાયા હતા.

દિવાળીની રજાઓ દરમિયાન સામાન્ય રીતે ઠેકઠેકાણે ફટાકડાના અવાજ સંભળાતા હોય છે. પરંતુ કોરોના વાયરસને પગલે અનેક વિસ્તારોમાં ફટાકડાના નહીં પણ એમ્બ્યુલન્સના સાયરનના અવાજ વધુ સંભળાઇ રહ્યા હતા.