(PTI11-07-2020_000191B)

ભારતમાં કોરોનાના કેસ 8.74 લાખથી વધુ થઈ ગયા છે ત્યારે અનેક રાજ્યો કોરોનાના કેસ વધુ હોય તેવા વધુ ને વધુ રાજ્યોમાં લૉકડાઉનનો અમલ લંબાવવાની તૈયારી કરી રહ્યાં છે. દેશમાં 24 કલાકમાં અત્યાર સુધીમાં સૌથી વધુ કોરોનાના નવા 30,871 કેસ નોંધાયા હતા જ્યારે વધુ 503નાં મોત નીપજ્યાં હતા. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 8,74,882 થઈ ગઈ છે જ્યારે મૃત્યુઆંક 23,149 થયો છે. દેશમાં કોરોનાના 5,52,629 દર્દીઓ સાજા થઈ ગયા છે.

આમ રીકવરી રેટ સુધરીને 63.16 ટકા થયો છે તેમ પીટીઆઈની રાજ્યવાર ટેલીમાં જણાવાયું હતું. ભારતમાં બેંગાલુરૂ અને પૂણે સહિત વધુ શહેરોમાં લૉકડાઉન લંબાવવાની તૈયારી ચાલી રહી છે જ્યારે રાષ્ટ્રીય રાજધાનીમાં કોરોનાની સિૃથતિમાં સુધારો થઈ રહ્યો હોવાનું ચિત્ર ઉપસી રહ્યું છે.

ઉત્તર પ્રદેશ સરકારે કોરોનાનો પ્રસાર અટકાવવા વીકએન્ડ્સમાં આકરા નિયંત્રણો લાદવાનો નિર્ણય કર્યો છે. અગાઉ, કર્ણાટક અને તમિલનાડુએ પણ કોરોનાનો પ્રસાર અટકાવવા આ પ્રકારના નિર્ણયો લીધા હતા. કર્ણાટક સરકારે 14મી જુલાઈથી સાત દિવસ માટે બેંગાલુરૂમાં સંપૂર્ણ લૉકડાઉનની જાહેરાત કરી છે.

તમિલનાડુમાં મુખ્યમંત્રી કે. પલાનિસ્વામીએ મદુરાઈ અને પારાવાઈ શહેર સહિત કેટલીક ગ્રામ પંચાયતોમાં 14મી જુલાઈ સુધી લૉકડાઉન લંબાવવાનો નિર્ણય કર્યો છે. મહારાષ્ટ્ર સરકારે અગાઉ પૂણે અને પિંપરી-ચિંચવાડામાં 13-23 જુલાઈ સુધી વ્યાપક સ્તરે લૉકડાઉન લાદવાની જાહેરાત કરી છે. મહારાષ્ટ્ર સરકારે મુંબઈના કેટલાક વિસ્તારોમાં પણ આ પ્રકારના નિયંત્રણો લાદ્યા છે.

દરમિયાન સ્વાસ્થ્ય મંત્રી હર્ષવર્ધને જણાવ્યું હતું કે, દેશમાં વ્યાપક સ્તરે ટેસ્ટિંગ, સર્વેલન્સ અને ક્લિનિકલ મેનેજમેન્ટથી કોરોનાના કેસના વહેલા નિદાનના પગલે ભારતમાં કોરોનાથી મૃત્યુદર 2.66 ટકા જેટલા નીચા સ્તરે રહ્યો છે, જે વિશ્વમાં સૌથી નીચા મૃત્યુદરોમાંનો એક છે.

તેમણે ઉમેર્યું હતું કે, કોરોના સામેની લડાઈમાં દેશમાં અત્યાર સુધીમાં 5.52 લાખથી વધુ દર્દીઓ સાજા થયા છે અને રીકવરી રેટ 63 ટકાથી વધુ છે, જે આપણી સફળતા દર્શાવે છે. બીજીબાજુ દેશમાં કોરોનાનો ભોગ બનનારા ગરીબોના પરિવારજનોને યોગ્ય પ્રમાણમાં નાણાકીય સહાય પૂરી પાડવા માટે કેન્દ્રને નિર્દેશ કરવા માટે સુપ્રીમ કોર્ટમાં જાહેર હિતની એક અરજી દાખલ થઈ છે.

આગામી દિવસોમાં આ અરજી પર સુનાવણી હાથ ધરાય તેવી સંભાવના છે. અરજીમાં કોરોનાથી મૃત્યુ પામનારા ગરીબા અને સ્વાસ્થ્ય કર્મચારીઓના પરિવારજનોને યોગ્ય નાણાકીય વળતર પૂરૂં પાડવા માટે યોજના લાવવા કેન્દ્ર અને રાજ્ય સરકારોને નિર્દેશ આપવા માગણી કરાઈ છે.