કોરોનાનાને કારણે ગુજરાત રાજ્યસભાની 26 માર્ચે યોજાનારી 4 બેઠકની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે. હવે 31 માર્ચ પછી ચૂંટણીની નવી તારીખ જાહેર કરવામાં આવશે. આ અંગે કેન્દ્રીય ચૂંટણીપંચે રાજ્ય સરકારની વિનંતિને ધ્યાનમાં લઈ નિર્ણય કર્યો છે.
આ પહેલા ગુજરાત કોંગ્રેસે પોતાના ધારાસભ્યોનું હોર્સ ટ્રેડિંગ ના થાય તે માટે તેમને જયપુર ખસેડ્યા હતા. દેશભરમાં વધી રહેલા કોરોનાના ખતરાને ધ્યાનમાં રાખીને તેમજ લોકડાઉન વચ્ચે ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોને આજ સાંજ(24 માર્ચ) સુધીમાં જયપુરથી અમદાવાદ પરત લાવશે.
ગુજરાત કોંગ્રેસ તેમના 55થી વધુ ધારાસભ્યોને ખાનગી ચાર્ટર્ડ વિમાન મારફતે ગુજરાત પરત લઈ આવશે. અગાઉ ભાજપ દ્વારા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોને તોડવા પ્રયાસ કરાયો હતો અને પાંચ ધારાસભ્યોએ રાજીનામા પણ આપ્યા હતા. કોરોના વચ્ચે રાજકીય હલચલ પણ વધી હતી. રાજ્યસભાની ચૂંટણીમાં કટોકટીની સ્થિતિ હોવાથી કોંગ્રેસે તેના બન્ને ઉમેદવારોને જીતાડવા માટે અન્ય ધારાસભ્યોને જયપુરના એક રિસોર્ટમાં ખસેડ્યા હતા.
રાજ્યસભાની 4 સીટની ચૂંટણી માટે ભાજપમાંથી અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરિ અમીને ઉમેદવારી કરી હતી. જ્યારે કોંગ્રેસમાંથી ભરતસિંહ સોલંકી અને શક્તિસિંહ ગોહિલે ફોર્મ ભર્યાં હતા. આ ચૂંટણી માટે 26 માર્ચે સવારના 9 વાગ્યાથી 4 વાગ્ય સુધી મતદાન અને સાંજે પાંચ વાગ્યે મતગણતરી થવાની હતી. પરંતુ હવે આ આ ચૂંટણી મોકૂફ રાખવામાં આવી છે.