પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પીપીઇ) પહેરીને આરોગ્ય કાર્યકર હૈદરાબાદ ખાતેના જાહેર આરોગ્ય કેન્દ્રમાં એક મહિલાના કોરોના ટેસ્ટ માટે સેમ્પલ લઈ રહ્યા છે. (Getty Images)

ભારતમાં કોરોનામાંથી દૈનિક રિકવરીની સંખ્યા નવા કેસની સંખ્યા કરતાં વધી ગઈ છે. રવિવારે સતત બીજા દિવસે નવા કેસ કરતાં રિકવરીની સંખ્યા વધું રહી હતી. રવિવારે સવારે આઠ વાગ્યાના આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર કોવિડ-19માંથી છેલ્લાં 24 કલાકમાં 94,612 દર્દી રિકવર થયા હતા. જોકે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 54 લાખને વટાવી ગઈ છે.

છેલ્લાં 24 કલાકમાં 94,612 લોકો કોરાનામુક્ત થયા હતા, જ્યારે આ સમયગાળામાં નવા 92,605 કેસ નોંધાયા હતા. ભારતનો રાષ્ટ્રીય રિકવરી રેટ 79.68 ટડકા થયો છે. અત્યાર સુધી ભારતમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 54,00,619 થઈ છે. કુલ મૃત્યુઆંક વધીને 86,752 થયો છે. છેલ્લાં 24 કલાકમાં આ વાઇરસથી 1,133 લોકોના મોત થયા હતા. ભારતમાં અત્યાર સુધી 43,03,043 લોકો કોરોનાથી રિકવર થયા છે. હાલમાં દેશમાં 10,10824 એક્ટિવ કેસ છે, જે કુલ કેસના 18.72 ટકા છે.