(Getty Images)

સાંસદોમાં કોરોના વાઇરસના સંક્રમણની ચિંતાને કારણે સંસદના હાલમાં ચાલી રહેલા ચોમાસુ સત્રને ટૂંકાવી દેવામાં આવે તેવી શક્યતા છે. આ સત્ર આગામી સપ્તાહના મધ્ય ભાગમાં પૂરું થવાની ધારણા છે, એમ સત્તાવાર સૂત્રોએ જણાવ્યું હતું.

લોકસભાની બિઝનેસ એડવાઇઝરી કમિટીની બેઠકમાં મોટા ભાગના રાજકીય પક્ષોને ચોમાસું સત્રના સમયમાં ઘટાડો કરવાની તરફેણ કરી હતી. સંસદના ચોમાસુ સત્રનો પ્રારંભ 14 સપ્ટેમ્બરથી થયો છે અને તે મૂળ યોજના મુજબ પહેલી ઓક્ટોબરે પૂરું થાય છે. જોકે સંસદના સત્રને ટૂંકાવવા અંગેનો અંતિમ નિર્ણય સંસદીય બાબતો અંગેની કેબિનેટ કમિટી કરશે.કેન્દ્રીય પ્રધાનો નીતિન ગડકરી અને પ્રહલાદ પટેલ સહિતના કેટલાંક સાંસદો ચાલુ સત્ર દરમિયાન કોરાનાગ્રસ્ત બન્યા છે, તેથી કેટલાંક વિરોધ પક્ષોએ સંસદના 18 દિવસના સત્રમાં કાપ મૂકવાની માગણી કરી છે, અને સરકાર પણ આ દિશામાં વિચારણા કરી રહી છે, એમ સૂત્રોએ જણાવ્યું હતું.