વિરોધપક્ષોના જોરદાર વિરોધ વચ્ચે રાજ્યસભામાં કૃષિ સંબંધિત બે ખરડાને ધ્વની મતથી રવિવારે બહાલી આપવામાં આવી હતી. શુક્રવારે લોકસભાએ કૃષિ સંબંધિત બિલોને મંજૂરી આપી હતી. ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020 અને ફાર્મર્સ (એમ્પાવર્ડમેન્ટ એન્ડ પ્રોટેક્શન ) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ 2020ને રાજ્યસભામાં મંજૂરી મળી હતી. આ ખરડાના વિરોધમાં વિરોધ પક્ષના સભ્યોએ ગૃહની મધ્યમાં ધસી આવ્યા હતા અને સૂત્રોચાર કર્યા હતા. કોંગ્રેસ અને બીજા વિરોધ પક્ષોએ રાજ્યસભામાં ધરણા પર બેઠા હતા. આ પછી રાજ્યસભાને મોકૂફ રાખવામાં આવી હતી.

અગાઉ કૃષિ પ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે ફાર્મર્સ પ્રોડ્યુસ ટ્રેડ એન્ડ કોમર્સ (પ્રમોશન એન્ડ ફેસિલિટેશન) બિલ 2020 અને ફાર્મર્સ (એમ્પાવર્ડમેન્ટ એન્ડ પ્રોટેક્શન ) એગ્રીમેન્ટ ઓફ પ્રાઇસ એસ્યોરન્સ એન્ડ ફાર્મ સર્વિસ બિલ 2020ને રાજ્યસભામાં રજૂ કર્યા હતા.નરેન્દ્ર સિંહ તોમરે રવિવારે જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી કૃષિ પેદાશોની ખરીદી માટે ટેકાના લઘુતમ ભાવ અથવા એમએસપી સિસ્ટમ ચાલુ રહેશે. કૃષિ બિલને કારણે આ વ્યવસ્થાને અસર થશે નહીં. કૃષિ ખરડામાં ખેડૂતોને તેમની કૃષિ પેદાશોના વેચાણની સ્વતંત્રતા મળશે. આ ખરડાનો ખેડૂત સંગઠનો અને કેન્દ્રની ગઠબંધન સરકારના કેટલાંક ઘટકપક્ષો વિરોધ કરી રહ્યા છે. શિરોમણી અકાલી દળના ફૂડ પ્રોસેસિંગ પ્રધાન હરસિમરત કૌર બાદલે ગયા સપ્તાહે આ ખરડાના વિરોધમાં રાજીનામું આપ્યું હતું.

સીપીઆઇના કેકે રાગેશ, ટીએમસીના ડેરેક ઓબ્રાયન, ડીએમકેના ટ્રિચી સિવા અને કોંગ્રેસના કે સી વેણુગોપાલે આ બે ખરડા સંસદની સિલેક્ટ કમિટીમાં મોકલવાની દરખાસ્ત કરી હતી. આ બિલ રજૂ કરતાં તોમરે જણાવ્યું હતું કે આ બે બિલ ઐતિહાસિક છે અને તેનાથી ખેડૂતોના જીવનમાં ક્રાંતિકારી પરિવર્તન આવશે.
રાજ્યસભામાં એનડીએનો બહુમત નથી. આ સાથે એનડીએનો ભાગ શિરોમણિ અકાલી દળ પણ આ બિલના વિરૂદ્ધમાં હતી.