(Photo by Leon Neal/Getty Images)

અમેરિકામાં જુદા જુદા ક્ષેત્રોના વિકાસમાં ઘણા ઇન્ડિયન અમેરિકન્સે મહત્ત્વનું યોગદાન આપ્યું છે. અત્યારે વિશ્વભરમાં ફેલાયેલી કોરોના વાઇરસની મહામારીના કારણે અમેરિકા ગંભીર સ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે. આ સંજોગોમાં અમેરિકામાં વસતા ભારતીય મૂળના ડોક્ટર્સ પણ આ રોગની સારવારમાં પ્રથમ હરોળમાં રહીને પોતાના જીવના જોખમે સારવારનો પડકાર ઝીલી રહ્યા છે.

અહીં કેટલાક એવા ભારતીય ડોક્ટર્સની કથા-વ્યથા રજૂ કરવામાં આવી છે. ડો. માધવી આયા ન્યૂયોર્કમાં કોરોના વાઇરસના દર્દીની સારવાર કરતા તેઓ પોતે તેનો ભોગ બન્યા અને મૃત્યુ પામ્યા. તેમણે હોસ્પિટલમાંથી જ પોતાની દીકરી અને પતિ સાથે ફોનના મેસેજથી વાતો કરી હતી. આ 61 વર્ષના મહિલા તેમના પતિ સાથે 1994માં અમેરિકામાં સ્થાયી થયા હતા.

સ્થાનિક સમુદાયના અગ્રણી ઇન્ડિયન અમેરિકન્સે જણાવ્યું હતું કે, આ ઐતિહાસિક મહામારીમાં ઘણા ભારતીય ડોક્ટર્સ પણ સપડાયા છે. તેમાંના મોટાભાગના ઇન્ડિયન અમેરિકન્સ ફિઝીશિયન્સ ન્યૂયોર્ક અને ન્યૂજર્સીના હોવાનું કહેવાય છે.
ડો. રજત ગુપ્તા (નામ બદલ્યું છે) આ મહિનાની શરૂઆતમાં ન્યૂજર્સીની એક હોસ્પિટલમાં ઇમરજન્સી રૂમમાં કોરોનાના દર્દીને જોઇ રહ્યા હતા ત્યારે દર્દીએ તેમના મોઢા પર જોરથી મુક્કો માર્યો હતો. ત્યારબાદ તેઓ બીમાર થયા અને તેમનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. અનેક શ્રેષ્ઠ પ્રયાસો કરવા છતાં ડોક્ટર્સ પોતાનો જીવ બચાવી શક્યા નથી, તેમાં પણ કોરોનાને કારણે ઇન્ડિયન અમેરિકન્સની યાદી વધતી જાય છે.

અમેરિકન એસોસિએશન ઓફ ફીઝિશિયન્સ ઓફ ઇન્ડિયન ઓરિજિન (AAPI)ના સેક્રેટરી રવિ કોલ્લિએ જણાવ્યું હતું કે, કેટલા ડોક્ટર્સને ચેપ લાગ્યો છે તેનો ચોક્કસ આંકડો મેળવવો મુશ્કેલ છે. પરંતુ ઓછામાં ઓછા 10 ઇન્ડિયન અમેરિકન ડોક્ટર્સ ગંભીર રીતે બીમાર છે. AAPI, ડોક્ટર્સની મોટી સંસ્થા છે, તેમાં 80 હજારથી વધુ ઇન્ડિયન ડોક્ટર્સ છે. આ ઉપરાંત AAPIના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ ડો. અજય લોધા પણ કોરોના પોઝિટિવ છે અને અત્યારે ન્યૂયોર્કની હોસ્પિટલના આઇસીયુમાં છે, સમુદાયના અગ્રણીઓ તેમના માટે પ્રાર્થના કરી રહ્યા છે.

ઇન્ડિયન અમેરિકન કોંગ્રેસમેન રાજા ક્રિષ્નમૂર્થિએ ફીઝિશિયન્સ અને અન્ય મેડિકલ પ્રોફેશનલ્સનો દેશ પ્રત્યેનો સમર્પણભાવ જોઇને કૃતજ્ઞતા વ્યક્ત કરી છે. ડો. જયેશ શાહે જણાવ્યું હતું કે, પોતાની ફરજ દરમિયાન પોતે આ વાઇરસનો ભોગ ન બને તે માટે હેલ્થકેર વર્કર્સ લાચારી અનુભવી રહ્યા છે, કારણ કે તેનાથી તેમના પરિવારને પણ અસર થશે.