વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ભારતમાં પહેલી વખત જોવા મળેલા કોરોના વાયરસના નવા વેરિયન્ટનું નામ ડેલ્ટા રાખ્યું છે. ભારતમાં જોવા મળેલા બીજા વેરિયન્ટને કપ્પા નામ અપાયું છે. ડબલ્યુએચઓએ આ બંને નામોની જાહેરાત કરતા જણાવ્યું હતું કે ગ્રીક અક્ષરોનો ઉપયોગ કરીને આ નામકરણ કરાયું છે.

ડબલ્યુએચઓએ કહ્યું કે, કોવિડ વેરિયન્ટ્સના આ નવા નામ હાલના વૈજ્ઞાનિક નામોમાં પરિવર્તન નહીં કરે. આ પહેલાની જેમ જ ભવિષ્યના વૈજ્ઞાનિક પ્રયોગો માટે ઉપયોગમાં લેવાતા રહેશે. હકીકતમાં, વૈજ્ઞાનિક નામ સમગ્ર દુનિયામાં એક જ હોય છે, જે તેની વિશેષતાઓના આધાર પર રાખવામાં આવે છે.

ડબલ્યુએચઓન કોવિડ-19ના ટેકનિકલ વિભાગના પ્રેસિડન્ટ ડો. મારિયા વાન કેરખોવે જણાવ્યું હતું કે, કોઈપણ દેશને કોરોના સ્ટ્રેનના મુદ્દે કલંકિત ન કરવો જોઈએ.ભારતમાં ઓક્ટોબર 2020માં મળી આવેલા કોરોના વેરિએન્ટ B.1.617.2 G/452R.V3નું નામ ડેલ્ટા વેરિએન્ટ રાખવામાં આવ્યું છે. જ્યારે ભારતમાંથી જ મળેલા વાયરસના બીજા સ્ટ્રેન (B.1.617.1)નું નામ ‘કપ્પા’ રાખવામાં આવ્યું છે.

બ્રિટનમાં 2020ના સપ્ટેમ્બર મહિનામાં મળી આવેલા વેરિએન્ટનું નામ ‘અલ્ફા’ રાખવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા વેરિએન્ટનું નામ ‘બીટા’ રાખવામાં આવ્યું છે. સંગઠને નવેમ્બર 2020માં બ્રાઝિલમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘ગામા’ રાખ્યું હતું જ્યારે યુએસમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘એપ્સિલોન’ રાખ્યું હતું અને જાન્યુઆરી 2021માં ફિલિપાઈન્સ ખાતેથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘થીટા’ રાખ્યું હતું.