New Delhi: Passengers wear protective face masks in wake of novel coronavirus (COVID 19) pandemic at New Delhi Railway Station, Sunday, March 15, 2020. (PTI Photo/Arun Sharma(PTI15-03-2020_000121B)

કોરોના વાઈરસના રોગચાળાનો અજગર ભરડો વધુ ને વધુ દેશોને ભીંસમાં લઈ રહ્યો છે. અમેરિકાએ રાષ્ટ્રીય કટોકટી જાહેર કરી છે, સમગ્ર યુરોપ સહિતના અનેક દેશોના લોકો માટે પ્રવેશબંધી ફરમાવી છે, તો બ્રિટનમાં સરકાર ‘લોકડાઉન’ જાહેર કરવા નથી ઈચ્છતી પણ ધીમે ધીમે સ્થિતિ સરકારને એ માટે મજબૂર કરે તેવા સંકેતો મળી રહ્યા છે.
ભારતમાં પણ વધુ ને વધુ રાજ્યોમાં કોરોના વાઈરસના રોગચાળા સામે તકેદારીના પગલારૂપે પણ વિવિધ પ્રવૃત્તિઓ ઉપર નિયંત્રણો મુકાઈ રહ્યા છે. ગુજરાત રાજ્યમાં જ ખાસ કોઈ અસર નહીં હોવા છતાં સોમવારથી રાજ્ય સરકારે શાળા-કોલેજો તેમજ થિયેટર્સ વગેરે બંધ કરવાનો આદેશ ફરમાવ્યો હતો.

અમેરિકામાં રવિવારે તાકિદની બેઠકમાં ફેડરલ રીઝર્વે વ્યાજ દરોમાં ઘટાડો કર્યો હતો, તો ભારતમાં જ પણ રીઝર્વ બેંકે જરૂરી પગલાં લઈ સંકટમાં મુકાયેલા અર્થતંત્ર માટે રાહતરૂપ વાતાવરણ ઉભું કરવાની ખાતરી આપી હતી. ભારત સરકારે પણ ગયા સપ્તાહે કેટલાય દેશોના લોકોને થોડા દિવસો માટે ભારતમાં પ્રવેશબંધી ફરમાવી હતી, તેની યાદીમાં સોમવારે બ્રિટન, યુરોપનો સમાવેશ કર્યાે હતો. અમેરિકામાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ગયા સપ્તાહે ફરમાવેલી પ્રવેશબંધીમાંથી બ્રિટન, આયર્લેન્ડને બાકાત રાખ્યા હતા, પણ પછી સોમવારે એ બન્નેનો પણ સમાવેશ કરવાની જાહેરાત કરવામાં આવી હતી.

છેલ્લા અહેવાલો મુજબ અમેરિકામાં કોરાેના વાઈરસના દર્દીઓની સંખ્યા 3400 થઈ ગઈ હતી, તો મૃત્યુ આંક 63 થયો હતો. બ્રિટનમાં એ સંખ્યા 1543 અને 55ની થઈ હતી, તો યુરોપમાં 48200થી વધુ દર્દીઓ અને મૃત્યુ આંક 1920થી વધુનો થયો હતો. યુરોપમાં પણ કોરોનાનો કેર જે રીતે વધી રહ્યો છે, તે જોતાં આ સપ્તાહમાં જ લોકડાઉન જાહેર કરવાની સ્થિતિ લગભગ નિશ્ચિત લાગે છે. સોમવારે પણ અનેક દેશોના સ્ટોક માર્કેટ્સમાં કોરાેના વાઈરસના રોગચાળાથી અર્થતંત્રને થનારા નુકશાનની ભીતિએ મંદીના મોજા ફરી વળ્યા હતા.

સમગ્ર વિશ્વ દિવસે ને દિવસે કોરોના વાઇરસના ભરડામાં વધુ ને વધુ જકડાઈ રહ્યું છે. કોરોના વાઈરસના દુનિયાભરમાં અત્યાર સુધીમાં 1.69 લાખથી વધુ લોકો દર્દી બની ચૂકયા છે, જ્યારે 6500થી પણ વધુના મોત થઇ ચૂકયા છે. તેમાં 3200થી વધુ મોત ચીન અને 1800થી વધુના મોત તો માત્ર ઇટલીમાં જ થયા છે. પોપ ફ્રાન્સિસ પણ વેટિકનથી નીકળી રોમના ખાલી રસ્તાઓ પર નીકળ્યા હતા. તેમણે મહામારી ઝડપથી ખતમ થાય તે માટે પ્રાર્થના કરી હતી. ભારતમાં અત્યાર સુધીમાં 112 લોકો તેના દર્દી બની ચૂકયા છે અને 2 લોકોના મોત થયા છે.અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે દેશમાં ઇમર્જન્સી જાહેર કરી છે. ઇમર્જન્સી લાગુ થતાં અમેરિકામાં સાર્વજનિક અને ખાનગી સંસ્થાઓ બંધ કરવામાં આવી શકે છે. ઘણા કાર્યક્રમ અને મોટી સભાઓ રદ અથવા મોકૂફ કરવામાં આવી શકે છે.

પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ઇમર્જન્સી જાહેરાત કરતા આ કટોકટીનો સામનો કરવા 50 બિલિયન ડોલરના ફંડની જાહેરાત કરી છે. સત્તાવાર આંકડા અનુસાર કોરોના વાઇરસના કારણે અમેરિકામાં 64 લોકોના મોત થયા છે. જ્યારે 3400 લોકોને ચેપ લાગ્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને (WHO) ચેતવણી આપી છે કે, યુરોપ હવે કોરોના વાઈરસના રોગચાળાનું કેન્દ્ર બની ગયું છે.ભારતમાં કોરોના વાઈરસના 112 કેસ નોંધાયા છે અને બે દર્દીઓના મોત નીપજ્યા છે. કેન્દ્ર સરકારની સાથે-સાથે રાજ્ય સરકારો પણ વાઈરસના ખાત્મા માટે સંપૂર્ણ પ્રયત્ન કરી રહી છે. ભારતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી તકેદારી વધારવામાં આવી રહી છે. આ સિવાય એક ડઝનથી વધારે રાજ્યોએ થિયેટર, સ્કૂલ, કોલેજ બંધ કરી દીધા છે.

સમગ્ર વિશ્વમાં સરકારી તંત્રો કોરોનાનો ફેલાવો અટકાવવા પગલાં લઈ રહ્યા છે, જેના ભાગરૂપે રવિવારે મોટાભાગના દેશોમાં લોકડાઉન, કર્ફ્યુ અને પ્રવાસ પર પ્રતિબંધો મૂકવાના આદેશો અપાયા હતા. સમગ્ર વિશ્વમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 6,000થી વધુ થયો છે, દર્દીઓની કુલ સંખ્યા 1,62,392 થઈ ગઈ છે.વિશ્વમાં મોટાભાગના દેશોની સરકારોએ ક્યાંક લોકડાઉનના તો ક્યાંક કર્ફ્યુના આદેશો આપ્યા છે. ક્યાંક નાગરિકોના પ્રવાસો પર પ્રતિબંધ મૂકી દેવાયા છે. સૈનિકો દેશોની સરહદો તો પોલીસ રાજ્યોની સરહદો બંધ કરી રહ્યા છે.

જોકે, કોરોના વાઈરસના ઉત્પત્તિ સ્થાન ચીન સિવાય સૌથી ગંભીર પરિસ્થિતિ યુરોપની છે. ચીનની બહાર યુરોપમાં ઈટાલી અને હવે સ્પેઈન કોરોનાના એપી સેન્ટર બન્યા છે. સ્પેઈનમાં રવિવારે કોરોના વાઈરસના 2,000થી વધુ નવા કેસોની પુષ્ટી થઈ હતી. યુરોપમાં ઈટાલી પછી સ્પેઈન કોરોના વાઈરસથી સૌથી વધુ પ્રભાવિત દેશ છે. સ્પેઈને જાહેર કરેલા આંકડા મુજબ દેશમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 7,753 થઈ ગઈ છે, જેમાંથી 291 લોકોના મોત નીપજ્યાં છે. સ્થિતિની ગંભીરતા જોતાં સરકારે સમગ્ર દેશને લોકડાઉન સ્થિતિમાં મૂકી દીધો છે. લોકોને કામ પર જવા, દવા અથવા સામાન ખરીદવા સિવાય ઘરની બહાર નીકળવા પર પ્રતિબંધ મૂકી દેવાયો છે.

બ્રિટનમાં 55ના મોત
બ્રિટનમાં કોરોનાએ 55 લોકોનો ભોગ લીધો છે જ્યારે 1,543 લોકોને ઝપટમાં લીધા છે. બ્રિટનમાં કોરોનાના જોખમને ધ્યાનમાં રાખી રાણી એલિઝાબેથ બીજાને બકિંગહામ પેલેસમાંથી વિન્ડ્સર કેસલ ખસેડવામાં આવ્યા છે. રાણી ઉપરાંત પ્રિન્સ ફિલિપને પણ આગામી સપ્તાહમાં નોરફોકમાં સેન્ડ્રિગહામ એસ્ટેટમાં ક્વોરેન્ટાઈનમાં મુકવામાં આવે તેવી સંભાવના છે.
દરમિયાન દુનિયામાં કોઈ નવજાત બાળકને કોરોના થયો હોવાનો પહેલો કિસ્સો નોંધાયો છે. બ્રિટનમાં એક નવજાતને ન્યૂમોનિયા થયો હોવાનું માતાને લાગ્યું હતું. હોસ્પિટલમાં તપાસ દરમિયાન તેને કોરોના હોવાનું જણાયું હતું. હવે માતા અને બાળકની અલગ અલગ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. દરમિયાન અમેરિકામાં કોરોનાથી 60થી વધુના મોત નીપજ્યાં છે.