વિશ્વભરમાં કોરોના મહામારીના 32 લાખ 20 હજાર 268 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં 2 લાખ 28 હજાર 224 લોકોએ જીવ ગુમાવ્યા છે. જ્યારે 10 લાખથી વધારે લોકોને સારવાર પછી રજા અપાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે ન્યૂઝ એજન્સી રોયટર્સને આપેલા ઈન્ટરવ્યુમાં દાવો કર્યો છે કે ચીન ઈચ્છતું નથી કે તેઓ નવેમ્બરમાં ફરીથી દેશના રાષ્ટ્રપતિ બને. તેઓ મને રોકવા માટે કંઈપણ કરશે.

ચીન જે રીતે કોરોના સામે લડી રહ્યું છે તે એ વાતની સાબિતી છે. તેઓએ આ સંકટ વિશે વિશ્વને ઝડપથી જણાવવું જોઈતું હતુ. ટ્રમ્પ હંમેશા મહામારીને લઈને ચીન ઉપર આરોપ લગાવતા રહ્યા છે. તેમણે વધુમાં કહ્યું હતું કે ચીન ઈચ્છે છે કે ડેમોક્રેટિક ઉમેદવાર જો બિડેન નવેમ્બરની ચૂંટણીમાં જીત મેળવે. જોકે મને આંકડા ઉપર શંકા છે કે બિડેન જીતશે. અમેરિકામાં છેલ્લા 24 કલાકમાં 2502 લોકોના મોત થયા છે.

કોરોના મહામારીમાં અમેરિકામાં સૌથી વધારે મોત થયા છે. અહીં 61 હજાર 669 લોકોએ જીવ ગુમાવ્યા છે અને કુલ કેસ 10.64 લાખ નોંધાયા છે. ન્યૂયોર્કમાં ત્રણ લાખ કેસ નોંધાયા છે અને 22 હજારથી વધારે લોકોના મોત થયા છે. ન્યૂજર્સીમાં એક લાખથી વધારે કેસ નોંધાયા છે અને છ હજારથી વધારે લોકોના મોત થયા છે. અમેરિકામાં કુલ 61.40 લાખ લોકોના ટેસ્ટ કરાયા છે. એક લાખ 47 હજાર 411 લોકોને સારવાર પછી રજા અપાઈ છે. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યુ છે કે આવતા સપ્તાહથી અમેરિકામાં ઘરેલુ ઉડાન શરુ કરાશે.