Getty Images)

કોરોના વાયરસ મામલે ICMRનો નવો અભ્યાસ ખૂબ જ ચિંતાજનક પરિણામો સામે લાવ્યો છે. અભ્યાસ પ્રમાણે આઠ સપ્તાહના લોકડાઉનના કારણે ભારતમાં આ મહામારી હવે નવેમ્બર મધ્ય સુધીમાં ચરમ સ્થાને પહોંચી શકે છે અને તે સમયે આઈસીયુ બેડ અને વેન્ટિલેટરની તંગી અનુભવાઈ શકે છે. જોકે આ અભ્યાસમાં લોકડાઉનના કારણે સ્વાસ્થ્ય સુવિધાઓને મજબૂત કરવાનો સમય મળી ગયો તેવો ઉલ્લેખ પણ કરાયો છે.

ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા રચવામાં આવેલા ઓપરેશન્સ રિસર્ચ ગ્રુપના સંશોધકોએ આ અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પ્રમાણે લોકડાઉને કોરોના વાયરસને પીક પર પહોંચવાના સમયને આશરે 34થી 76 દિવસ આગળ વધાર્યો છે.

લોકડાઉનના કારણે સંક્રમણના કેસમાં 69થી 97 ટકા જેટલો ઘટાડો થયો છે અને હેલ્થ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરવામાં મદદ મળી છે. લોકડાઉન બાદ સાર્વજનિક સુવિધાઓ 60 ટકા સુધી અસરકારક રહી અને સારવાર સુવિધાઓની માંગને નવેમ્બરના પહેલા સપ્તાહ સુધીમાં પુરી કરી શકાશે.

સંશોધકોએ હવે 5.4 મહીના સુધી આઈસોલેશન વોર્ડ, 4.6 મહીના માટે આઈસીયુ બેડ અને 3.9 મહીના માટે વેન્ટિલેટરની તંગી સર્જાઈ શકે છે તેવો અંદાજો લગાવ્યો છે. જોકે સ્ટડીમાં લોકડાઉન અને જન સ્વાસ્થ્ય સુવિધાઓના કારણે કોરોના વાયરસના કેસમાં 83 ટકા સુધી ઘટાડો થયો હોવાનું કહેવાયું છે.

ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધવાના કારણે અને વિભિન્ન ક્ષેત્રોમાં સંક્રમણ ફેલાવાની ગતિ અલગ-અલગ હોવાના કારણે મહામારીના પ્રભાવોને ઘટાડી શકાય છે. જો સ્વાસ્થ્ય સુવિધાઓને 80 ટકા સુધી વધારવામાં આવે તો આ વાયરસને કાબુમાં લઈ શકાશે.

મોડલ આધારિત વિશ્લેષણ પ્રમાણે લોકડાઉનમાં ટેસ્ટિંગ વધારવાથી, દર્દીઓને આઈસોલેટ કરી તેમની સારવાર કરવાના કારણે ચરમ પર પહોંચવા છતા કોરોનાના કેસમાં 70 ટકા અને વધી રહેલા સંક્રમણમાં 27 ટકાનો ઘટાડો આવી શકે છે.

મૃત્યુદરની વાત કરીએ તો લોકડાઉનના કારણે મૃતકઆંક 60 ટકા જેટલો ઘટ્યો છે. સંશોધકોના કહેવા પ્રમાણે બીમારીના મેનેજમેન્ટમાં નીતિઓની યોગ્ય સમીક્ષા અને સ્વાસ્થ્ય પ્રણાલીઓની મજબૂતી સામેલ થશે. લોકડાઉનના કારણે કોરોનાને પીક પર પહોંચવામાં સમય લાગશે.

જેથી આપણી હેલ્થ સિસ્ટમને ટેસ્ટિંગ કરવામાં, આઈસોલેશન, કોન્ટેક ટ્રેસ કરી દર્દીઓની સારવાર કરવામાં પૂરતો સમય મળી જશે. જ્યાં સુધી કોરોનાની વેક્સિન નહીં મળી જાય ત્યાં સુધી આ બધું ભારતમાં મહામારીનો પ્રભાવ ઘટાડવાનો મુખ્ય આધાર બની રહેશે.