કેન્દ્રીય પ્રધાનમંડળે બુધવારે ઉત્તરપ્રદેશના જેવર ખાતે HCL-ફોક્સકોનના રૂ.3,705 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને બહાલી આપી હતી. બંને કંપનીઓ સંયુક્ત સાહસમાં મોબાઇલ ફોન, લેપટોપ અને ઓટોમોબાઇલ માટે ડિસ્પ્લે ડ્રાઇવર ચિપ્સનું ઉત્પાદન કરશે. આ પ્લાન્ટમાં દર મહિને 20,000 વેફર હેન્ડલ કરવાની ક્ષમતા હશે, અને દર મહિને 3.6 કરોડ ચિપ્સનું ઉત્પાદન થશે. કેબિનેટને મંજૂરી આપી હોય તેવો યુપીનો આ પ્લાન્ટ દેશનો છઠ્ઠો સેમિકન્ડકટર પ્લાન્ટ બન્યો છે.
ફોક્સકોન એપલના આઇફોન સહિત ઇલેક્ટ્રોનિક પ્રોડક્ટ્સનું ઉત્પાદન કરતી અગ્રણી કંપની છે.કેબિનેટ બેઠક પછી વૈષ્ણવે ઉત્તરપ્રદેશના જેવર ખાતે રૂ.3,706 કરોડના સેમિકન્ડક્ટર પ્લાન્ટને કેબિનેટની મંજૂરીની જાહેરાત કરી હતી અને જણાવ્યું હતું કે તમે ઓપરેશન સિંદૂરમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો ઉપયોગ જોયો અને ટેકનોલોજીના ઉપયોગથી ભારત કેવી રીતે વધુ મજબૂત બન્યો છે તે જોયું.
સેમિકન્ડક્ટર્સ પ્લાન્ટ અંગેના કેબિનેટ નિર્ણય અંગે વડાપ્રધાન મોદીએ X પરની એક પોસ્ટમાં જણાવ્યું હતું કે સેમિકન્ડક્ટર્સની દુનિયામાં ભારતની પ્રગતિ ચાલુ છે. ઉત્તરપ્રદેશમાં સેમિકન્ડક્ટર યુનિટની સ્થાપના અંગેના આજના મંત્રીમંડળના નિર્ણયથી વિકાસ અને ઇનોવેશનને વેગ મળશે. તે યુવાનો માટે પણ અસંખ્ય તકોનું સર્જન કરશે.
