અમેરિકાના મેનહટન સ્થિત ત્રણ ન્યાયાધીશોની કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડે ડોનાલ્ડ ટ્રમ્પે વિશ્વના વિવિધ દેશો પર લાદેલી મોટાભાગની ‘લિબરેશન ડે’ ટેરિફના અમલ પર બુધવારે સ્ટે મૂક્યો હતો. કોર્ટે તેના ચુકાદામાં જણાવ્યું હતું કે પ્રેસિડન્ટે પોતાના અધિકારો ઓળંગીને અમેરિકાના વેપાર ભાગીદાર દેશોમાંથી થતી આયાત પર સાર્વત્રિક ટેરિફ લાદી છે. કોર્ટે જાન્યુઆરીથી ટ્રમ્પ દ્વારા જારી કરાયેલા ટેરિફ ઓર્ડર પર કાયમી મનાઈહુકમ જારી કર્યો હતો. વિશ્વભરના ફાઇનાન્શિયલ માર્કેટે કોર્ટના ચુકાદાને આવકાર્યો હતો અને અમેરિકાના ડોલરમાં તેજી આવી હતી.
ન્યાયાધીશોએ ટ્રમ્પ વહીવટીતંત્રને 10 દિવસની અંદર કાયમી મનાઈ હુકમ પ્રતિબિંબિત કરતા નવા આદેશો જારી કરવાનો પણ આદેશ આપ્યો હતો. જોકે ટ્રમ્પ વહીવટીતંત્રે થોડીવારમાં કોર્ટના આદેશ સામે અપીલની નોટિસ દાખલ કરી હતી અને કોર્ટની સત્તા પર સવાલ ઉઠાવ્યા હતાં.
કોર્ટે ઇન્ટરનેશનલ ઇમરજન્સી ઇકોનોમિક પાવર્સ એક્ટ (IEEPA) હેઠળના જાન્યુઆરીથી ટ્રમ્પના ટેરિફ અંગેના તમામ આદેશોને તાત્કાલિક અસરથી અમાન્ય કરી દીધા હતાં. આ ધારો રાષ્ટ્રીય કટોકટી દરમિયાન “અસામાન્ય અને અસાધારણ” જોખમોને સામનો કરવા સંબંધિત છે.
મેનહટન સ્થિત કોર્ટ ઓફ ઇન્ટરનેશનલ ટ્રેડના નિર્ણયોને વોશિંગ્ટન, ડી.સી.માં ફેડરલ સર્કિટ માટે યુ.એસ. કોર્ટ ઓફ અપીલ્સ અને અંતે યુ.એસ. સુપ્રીમ કોર્ટમાં પડકારી શકાય છે.
બુધવારે વ્હાઇટ હાઉસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે અન્ય દેશો સાથેની યુએસ વેપાર ખાધ “એક રાષ્ટ્રીય કટોકટી છે જેને અમેરિકન સમુદાયોનો બરબાદ કર્યો છે, આપણા કામદારોની નોકરી છીનવાઈ ગઈ છે અને સંરક્ષણ ઔદ્યોગિક પાયો નબળો પડ્યો છે, આ હકીકતો સામે કોર્ટ સવાલ કરી શકે નહીં. પ્રવક્તા કુશ દેસાઈએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે “રાષ્ટ્રીય કટોકટીને યોગ્ય રીતે કેવી રીતે સામનો કરવો તે નક્કી કરવાનું કામ બિનચૂંટાયેલા ન્યાયાધીશોનું નથી.”
જો આ ચુકાદો માન્ય રહેશે તો ટ્રમ્પની વેપાર ભાગીદારો પાસેથી છૂટછાટો મેળવવા માટે ભારે ટેરિફનો ઉપયોગ કરવાની વ્યૂહરચનાને મોટો ફટકો પડશે. તેનાથી યુરોપિયન યુનિયન, ચીન અને અન્ય ઘણા દેશો સાથે ચાલી રહેલા ટ્રેડ વાટાઘાટોની અંગે પણ અનિશ્ચિતતા ઊભી થશે.
જોકે, ગોલ્ડમેન સૅક્સના વિશ્લેષકોએ નોંધ્યું હતું કે આ આદેશ ક્ષેત્ર વિશેષ ટેરિફને અવરોધતો નથી અને ટ્રમ્પ પાસે દેશ વિશિષ્ટ ટેરિફ લાદવાના અન્ય કાનૂની રસ્તાઓ છે.
