ભારતમાં અત્યારસુધીમાં કોવિડ-19ના 90.50 લાખ કેસ નોંધાયા છે. દિલ્હી અને કેરળમાં કોવિડ-19ના કેસમાં કોરોનાના કેસીઝ સતત વધી રહ્યા છે. જોકે ત્યાં શુક્રવારે વધુ દર્દી સાજા થવાથી એક્ટિવ કેસમાં વધારો થયો નથી. ભારતમાં શુક્રવાર સુધીના 24 કલાકમાં 3908 એક્ટિવ કેસ ઘટ્યા હતા. હવે 4.39 લાખ દર્દીઓની સારવાર ચાલી રહી છે. શુક્રવારે દેશમાં 46 હજાર 288 નવા કેસ નોંધાયા, 48 હજાર 881 દર્દી સાજા થયા અને 563નાં મોત થયાં હતાં. 84.75 લાખ દર્દી સાજા થયા અને 1.32 લાખ દર્દીઓનાં મોત થયા છે.
ઉત્તરાખંડમાં મસૂરી ખાતે આવેલી લાલ બહાદુર શાસ્ત્રી નેશનલ એડમિનિસ્ટ્રેટિવ એકેડમીમાં 33 ટ્રેઇની અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયો છે. એકેડમીના પાંચ હોસ્ટેલ એરિયાને કન્ટેન્મેન્ટ ઝોન જાહેર કરવામાં આવેલ છે. આ સાથે જ એકેડમીને 48 કલાક માટે સીલ કરવામાં આવી છે.
શુક્રવારે રાત્રે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશમાં કોરોના વેક્સિનની સ્થિતિની સમીક્ષા કરી હતી. આ બેઠકમાં વેક્સિનના ડેવલપમેન્ટ, ઉપયોગ માટે મંજૂરી અને ખરીદવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. પીએમના ટ્વિટર અકાઉન્ટ દ્વારા આ માહિતી આપવામાં આવી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે વેક્સિનની પ્રાથમિકતાવાળા ગ્રૂપ, આરોગ્ય કર્મીઓ સુધી પહોંચાડવાની, કોલ્ડ ચેઈન ઈન્ફ્રાસ્ટક્ચર તૈયાર કરવા જેવા વગેરે મહત્ત્વના મુદ્દાઓ પર ચર્ચા થઈ.