નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા જાણીતી મહિલા કોમેડિયન ભારતી સિંહ અને તેના પતિ હર્ષ લિંબાચિયાના મુંબઈસ્થિત ઘરે દરોડાની કાર્યવાહીકરવામાં આવી છે. ન્યૂઝ એજન્સી-એએનઆઇના સમાચાર મુજબ NCBએ શનિવારે સવારે અંધેરી, લોખંડવાલા અને વર્સોવાનાં ત્રણ અલગ અલગ સ્થળોએ દરોડા પાડ્યા હતા. આ દંપતી પર ડ્રગ્સનું સેવન કરવાનો આરોપ છે. આ દરોડાની પુષ્ટિ NCBના ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડેએ કરી છે, જેમના માર્ગદર્શન હેઠળ જ દરોડાની આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના અપમૃત્યુ પછી જાહેર થયેલા ભારતના ગ્લેમર વર્લ્ડમાં ગુપ્ત રીતે ચાલતા ડ્રગ્સના સેવનની માહિતી મેળવવા માટે NCB સતત બોલીવૂડ સેલિબ્રિટીઝનાં ઘરે દરોડા પાડી રહી છે. દિવાળી અગાઉ જ અર્જુન રામપાલને પણ પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો હતો.
કોમેડિયન ભારતી સિંહે ‘ધ કપિલ શર્મા શૉ’, ‘કોમેડી સર્કસ’, ‘ઝલક દિખલા જા’, ‘નચ બલિયે’ જેવા શોમાં અભિનય અને એન્કરિંગ કર્યું છે. ભારતી સિંહે 3 ડિસેમ્બર, 2017ના રોજ ટીવી લેખક હર્ષ લિંબાચિયા સાથે લગ્ન કર્યા હતા અને તે બંને અત્યારે સોની ટીવી પર ‘ઇન્ડિયાઝ બેસ્ટ ડાન્સર’નામનો શો હોસ્ટ કરે છે.