વિશ્વભરમાં ઓમિક્રોન વેરિઅન્ટના ડરની વચ્ચે કોરોના મહામારીનો વ્યાપ ફરીથી વધી રહ્યો છે. એક તરફ ઓમિક્રોનના કેસ સતત વધી રહ્યા છે બીજી તરફ અગાઉ દુનિયામાં ઘાતક બનેલા ડેલ્ટા વેરિઅન્ટના કેસ પણ વધી રહ્યા છે. આ પરિસ્થિતિઓ વચ્ચે બ્રિટનમાં 24 કલાકમાં કોરોનાના અત્યાર સુધીમાં સૌથી વધુ 93 હજારથી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમેરિકામાં પણ એક જ દિવસમાં કોરોનાના નવા 1.50 લાખ કેસ નોંધાયા હતા. અમેરિકામાં કોરોનાની સ્થિતિ એટલી ભયાનક છે કે મિનેસોટામાં માત્ર 35 દિવસમાં એક હજારથી વધુ દર્દીઓનાં મોત થયા છે. વિશ્વમાં એક જ દિવસમાં કોરોનાના 7.31 લાખથી વધુ કેસ નોંધાયા હતા, જ્યારે વધુ સાત હજાર લોકોનાં મોત થયા હતા.
બ્રિટિશ સરકારે જણાવ્યું હતું કે, ઓમિક્રોન વેરિઅન્ટના ડર વચ્ચે દેશમાં વિક્રમી સંખ્યામાં કોરોનાના દૈનિક કેસ નોંધાયા છે. દેશમાં ગત ગુરુવારે એક જ દિવસમાં 88, 376 નવા કેસ નોંધાયા હતા અને વધુ 146 લોકોનાં મોત થયા છે. આ સાથે બ્રિટનમાં કોરોનાના કુલ કેસનો આંકડો 1,90,354 પર પહોંચ્યો હતો અને મૃત્યુઆંક વધીને 1,47,048 થયો છે. બ્રિટનમાં ઓમિક્રોનના કેસ પણ સતત વધી રહ્યા છે. દેશમાં ઓમિક્રોનના વધુ 1691 કેસની સાથે ઓમિક્રોનના કુલ કેસ 11,708 થયા છે અને આ આંકડો હજુ વધવાની સંભાવના છે. બ્રિટનમાં ચીફ મેડિકલ ઓફિસરે હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ વધવાની આશંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે ઓમિક્રોન અંગે હજુ પણ ભારે અનિશ્ચિતતા ફેલાયેલી છે. લોકોએ સાવધ રહેવાની જરૂર છે.
અમેરિકામાં પણ કોરોનાને કારણે મૃત્યુઆંક 8,24,520 પર પહોંચ્યો છે. આ સાથે દુનિયામાં કોરોનાના કુલ કેસ 27,36,35,998 થયા છે જ્યારે મૃત્યુઆંક 53,57,445 થયો છે. અમેરિકામાં કોરોનાએ ફરી ઊથલો મારતાં સ્થિતિ એટલી ભયાનક થઈ છે કે મિનેસોટામાં વધુ કુલ મૃત્યુઆંક 10,018 પર પહોંચ્યો છે. અહીં 188 દિવસમાં એક હજાર દર્દીઓનાં મોત થતાં મૃત્યુઆંક આઠ હજાર થયો હતો. જોકે, પછીના માત્ર 58 દિવસમાં વધુ એક હજાર લોકોનાં મોત થતાં મૃત્યુઆંક નવ હજાર થયો હતો અને ત્યાર પછી માત્ર 35 દિવસમાં મૃત્યુઆંક દસ હજારથી વધુ થઈ ગયો હતો.