યુકેમાં સંસદીય પેટા ચૂંટણીમાં સત્તાધારી કન્ઝર્વેટિવ પક્ષની હાર થતા વડા પ્રધાન બોરીસ જોન્સનની ટીકા થઇ રહી છે. છેલ્લા કેટલાંક સમયથી બ્રિટિશ સરકારના કેટલાંક કૌભાંડો બહાર આવ્યા હતા, ઉપરાંત દેશમાં કોવિડના કેસોમાં વધારો નોંધાતા લોકો સરકારને તે માટે જવાબદાર માની રહ્યા છે. આવા સમયે યોજાયેલી સંસદીય પેટા ચૂંટણીમાં સત્તાધારી પક્ષના ઉમેદવારનો કારમી હાર થતા જોન્સન સામે આંગળી ચિંધાઇ રહી છે.
નોર્થ-વેસ્ટ બ્રિટનની શ્રોપશાયર સીટ ઉપર ગુરુવારે યોજાયેલી પેટા ચૂંટણીમાં લિબરલ ડેમોક્રેટ્સના ઉમેદવાર હેલન મોર્ગને કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવારને 23 હજાર જેટલા મતથી હાર આપી હતી. આશ્ચર્યની બાબત તો એ છે કે આ સીટ કન્ઝર્વેટિવ પાર્ટીનો ગઢ ગણાતી હતી, કારણકે, વર્ષ 1832થી અહીં કન્ઝર્વેટિવ સતત વિજેતા થતાં હતા. આ કારમી હારને કારણે વડા પ્રધાનની રાજકીય હાલત ગંભીર બની છે, કારણ કે અત્યારે પાર્લામેન્ટમાં કન્ઝર્વેર્ટિવ પાર્ટી ફક્ત 80 સીટની બહુમતી ધરાવે છે. એક કૌભાંડમાં શ્રોપશાયર સીટ પર અગાઉ ચૂંટાયેલા એમપીની સંડોવણી હોવાનું બહાર આવતાં તેમણે સભ્યપદેથી રાજીનામું આપવું પડ્યું હતું જેથી આ બેઠક ઉપર પેટા ચૂંટણી યોજાઇ હતી. વિરોધપક્ષોએ વડા પ્રધાન જોન્સન ઉપર પણ ગત વર્ષે ગંભીર આરોપ મૂક્યો હતો કે ગત વર્ષે જ્યારે સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું હતું ત્યારે બોરીસ જોન્સન અને તેમના કેટલાંક પ્રધાનો અને સાંસદોએ ક્રિસમસની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરી હતી. તે ઉપરાંત તેમના સાથી પક્ષોએ પણ વડા પ્રધાન ઉપર આરોપ મૂક્યો હતો કે તેમણે તેમના સત્તાવાર નિવાસ સ્થાનનું રીનોવેશન કરાવવા અને નવું ફર્નિચર વસાવવા દાનની રકમ ગેરકાયદે સ્વીકારી હતી.
આ તમામ પ્રકારના આરોપ-પ્રત્યારોપ વચ્ચે સત્તાધારી પક્ષ અને વિરોધપક્ષે અત્યારની કોવિડની મહામારી સામે જે રીતે સરકાર જંગ લડી રહી છે તેની સામે પણ આશંકા વ્યક્ત કરી હતી, કારણ કે દેશમાંથી કોરોનાનું સંક્રમણ ઘટવાને બદલે દિવસેને દિવસે વધી રહ્યું છે તેથી તેઓ બોરિસ જોન્સનની આ અણઘડ પદ્ધતિ સામે લોકોને ખૂબ જ નારાજગી છે.