પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

મદ્રાસ હાઇકોર્ટે તમામ સમુદાયના લોકો માટે રાજ્યભરમાં એકસમાન સ્મશાન ગૃહ સુનિશ્ચિત કરવાની તમિલનાડુ સરકારીને તાકીદ કરી છે. કલાઇસેલ્વી અને રાજારામની રિટ પિટિશનનો નિકાલ કરતા જસ્ટિસ આર મહાદેવનને આ સૂચન કર્યું હતું. રીટ પિટિશનમાં માગણી કરવામાં આવી હતી કે અરુન્થાથીયાર સમુદાય માટેના કબ્રસ્તાન માટે કાયમી જગ્યાની ફાળવણી કરવા કલ્લાકુરિચી જિલ્લાના કલેક્ટરને આદેશ આપવામાં આવે.

જજે નિર્દેશ કર્યો હતો કે દરેક ગામ, બ્લોક, જિલ્લાના સ્મશાનગૃહના ગ્રાઉન્ડમાં કોઇ વિશેષ જ્ઞાતિ કે સમુદાયના સભ્યો દ્વારા લગાવવામાં આવેલા તમામ બોર્ડ દૂર કરવામાં આવે તથા કોઇપણ ભેદભાવ વગર તમામ જ્ઞાતિ અને સમુદાયના સભ્યોને સ્મશાનગૃહનો ઉપયોગ કરવાની છૂટ આપવામાં આવે. કોર્ટે સૂચન કર્યું હતું કે તમામ ધર્મોની જ્ઞાતિ અને સમુદાયમાં ભેદભાવ વગર દરેક ગામમાં એકસમાન સ્મશાનગૃહ – કબ્રસ્તાનનું બાંધકામ અને તેની જાળવણી કરવામાં આવે. જોકે તેમાં બંધારણની કલમ 25 હેઠળના નાગરિકોના મૂળભૂત અધિકારોનું ઉલ્લંઘન ન કરવું જોઇએ. કોર્ટે સરકારને સૂચન કર્યું હતું કે સરકારે સ્કૂલના અભ્યાસક્રમમા ધાર્મિક મૂલ્યો અને કોમી સંવાદિતતાના મૂલ્યોનો સમાવેશ કરવો જોઇએ. બાળકોને ધર્મ, સમુદાય, સંસ્કૃતિ અને પરંપરાની વિવિધતાનું સન્માન કરવાના પણ પાઠ ભણાવવા જોઇએ.