(ANI Photo)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંસદમાં ભાજપના સાંસદોની નિયમિત હાજરી પર ફરી એકવાર ભાર મૂકતાં મંગળવારે જણાવ્યું હતું કે બાળકોને પણ વારંવાર એકની એક વાત કહેવામાં આવે તો પસંદ પડતું નથી. સાંસદોએ પોતાનામાં પરિવર્તન લાવવું પડશે, નહિ તો, પરિવર્તન આવી જ જશે.

સૂત્રોના જણાવ્યા અનુસાર વડાપ્રધાને નવી દિલ્હીમાં આંબેડકર ઇન્ટરનેશન સેન્ટર ખાતે ભાજપની પાર્લામેન્ટરી પાર્ટીની બેઠકમાં આ ટીપ્પણી કરી હતી. આ બેઠક પ્રથમ વખત સંસદ સંકુલની બહાર યોજાઈ હતી.
આ બેઠક અંગેની માહિતી આપતા સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું હતું કે વડાપ્રધાને પક્ષના સાંસદોને સૂચના આપી હતી કે સાંસદોએ પોતાના મતભેત ક્ષેત્રોમાં સ્પોર્ટસ સ્પર્ધાનું આયોજન કરવું જોઇએ. મોદીએ પદ્મ એવોર્ડ વિજેતાઓના સન્માનમાં પોતાના મતક્ષેત્રમાં કાર્યક્રમનું આયોજન કરવાની પણ સાંસદોને સલાહ આપી હતી.

સૂત્રોના જણાવ્યા અનુસાર ભાજપના ટોચના નેતાઓની આવી બેઠક દરમિયાન સંસદમાં સાંસદોની હાજરીનો મુદ્દો ઘણીવાર ઊભો થયો છે. વડાપ્રધાન સ્પષ્ટ શબ્દોમાં પાર્ટીના સાંસદોનો કહ્યું હતું કે સાંસદોએ સંસદની કાર્યવાહીમાં નિયમિત હાજરી આપવી જોઇએ. બાળકોને પણ એક વસ્તુ યાદ દેવડાવામાં આવે તો તે પસંદ આવતું નથી.
સંસદમાં ભાજપના સાંસદોની ગેરહાજરીનો મુદ્દો મોદી ભૂતકાળમાં પણ ઘણીવાર ઉઠાવી ચુક્યા છે. આ બેઠકમાં હાજર રહેલા પક્ષના સૂત્રે જણાવ્યું હતું કે મોદીજીએ સાંસદોને કહ્યું હતું કે પોતાનામાં પરિવર્તન લાવો, નહિ તો પરિવર્તન તો જ આવી જ જશે.

આ બેઠકમાં ભાજપના અધ્યક્ષ જે પી નડ્ડાએ પક્ષના સાંસદોને સૂચના આપી હતી કે તેઓ ટી પ્રોગ્રામનું આયોજન કરીને જિલ્લા અધ્યક્ષ અને મંડલ અધ્યક્ષને આમંત્રણ આપે અને તેમની સાથે વિચારવિમર્શ કરે. વડાપ્રધાન મોદી 14 ડિસેમ્બરે વારાણસી ક્ષેત્રના જિલ્લા અધ્યક્ષો સાથે વિચારવિમર્શ કરશે.