ક્રિકેટનો 2028ના ઓલિમ્પિક્સમાં સમાવેશ થવાની જાહેરાત તો અગાઉ જ કરવામાં આવી હતી. તાજા અપડેટ મુજબ ઓલિમ્પિક 2028માં પુરુષો અને મહિલાઓ બંને કેટેગરીમાં 6-6 ટીમ ભાગ ગોલ્ડ મેડલ માટેની સ્પર્ધામાં હશે.
ઓલિમ્પિક 2028 અમેરિકાના લોસ એન્જલસમાં યોજાવાની છે. ભાગ લેનારી દરેક ટીમમાં 15 સભ્યોનો સમાવેશ કરી શકાશે. ઓલિમ્પિક્સ ક્રિકેટમાં ટીમો માટેની ક્વોલિફિકેશનની પદ્ધતિ હજુ સુધી નિશ્ચિત થઈ નથી.

અમેરિકાને યજમાન દેશ તરીકે સીધો પ્રવેશ મળે તો બાકીની પાંચ ટીમોનો નિર્ણય ક્વોલિફિકેશન દ્વારા થશે. વેસ્ટ ઈન્ડિઝનું પ્રતિનિધિત્વ કોણ કરશે તે પણ પ્રશ્ન છે, કારણ કે કેરેબિયન ટાપુઓ ઓલિમ્પિક રમતોમાં અલગ દેશો તરીકે ભાગ લે છે, જેમ તેઓ કોમનવેલ્થ રમતોમાં ભાગ લે છે.

અગાઉ 1900માં પેરિસમાં યોજાયેલી ઓલિમ્પિક રમતોમાં ક્રિકેટનો સમાવેશ કરવામાં આવ્યો હતો. તે સમયે ફક્ત ફ્રાન્સ અને ગ્રેટ બ્રિટને જ ક્રિકેટમાં ભાગ લીધો હતો. આ બંને ટીમો વચ્ચે બે દિવસની મેચ રમાઈ હતી, જેને બિનસત્તાવાર ટેસ્ટ મેચનો દરજ્જો મળ્યો હતો. આ વખતે ઓલિમ્પિકમાં ક્રિકેટ ટી-20 ફોર્મેટમાં રમાશે તે નિશ્ચિત છે.

આગામી ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટ પાંચ નવી રમતોમાંની એક છે. આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિ (IOC)એ 2023માં LA28માં બેઝબોલ/સોફ્ટબોલ, ફ્લેગ ફૂટબોલ, લેક્રોસ અને સ્ક્વોશ સાથે ક્રિકેટના સમાવેશને મંજૂરી આપી છે.

LEAVE A REPLY