Getty Images)

ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર ઈરફાન પઠાણે તમામ સ્તરે ક્રિકેટમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિની જાહેરાત કરી છે. ૩૫ વર્ષના ઈરફાને છેલ્લી ફેબ્રુઆરી ૨૦૧૯માં જમ્મુ-કાશ્મીરની ટીમમાંથી સૈયદ મુસ્તાક અલી ટી-૨૦માં સ્પર્ધામાં ભાગ લીધો હતો. ૨૦૦૩ના ઓસ્ટ્રેલિયા પ્રવાસથી ભારતીય ખેલાડી તરીકે આંતરરાષ્ટ્રીય કારકિર્દીનો આરંભ કર્યો હતો. ઈરફાન પઠાણની તુલના એક તબક્કે કપિલ દેવની સાથે થતી હતી. ધોનીની આગેવાની હેઠળ ૨૦૦૭માં ભારતીય ટીમ વર્લ્ડ ચેમ્પિયન બની તેમાં ઈરફાને જોરદાર દેખાવ કર્યો હતો. ફાઈનલમાં તો તે મેન ઓફ ધ મેચ બન્યો હતો. ટેસ્ટ મેચમાં હેટ્રિક લેનારો તે ભારતનો સૌપ્રથમ ફાસ્ટ બોલર રહ્યો હતો. ઈરફાને ૨૯ ટેસ્ટમાં ૧ સદી અને ૬ અડધી સદી સાથે ૧૧૦૫ રન કર્યા હતા અને ૧૦૦ વિકેટ પણ ઝડપી હતી. ૧૨૦ વન-ડેમાં તેણે પાંચ અડધી સદી સાથે ૧,૫૪૪ રન કર્યા હતા અને ૧૭૩ વિકેટ ઝડપી હતી. ઈરફાનનો ટી-૨૦માં ૨૪ મેચમાં ૧૭૨ રન અને ૨૮ વિકેટનો રેકોર્ડ છે. ૨૦૧૮થી જમ્મુ-કાશ્મીર ક્રિકેટના મેન્ટર કમ પ્લેયર તરીકે જોડાયા પછી ઈરફાને કોચિંગ પર વિશેષ ધ્યાન આપવાનું શરુ કર્યું હતુ.
ઈરફાનનો પાકિસ્તાન સામે નોંધપાત્ર દેખાવ રહ્યો હતો. ૨૦૦૭ના ટી-૨૦ વર્લ્ડ કપની ફાઈનલમાં તેણે પાકિસ્તાન સામે માત્ર ૧૬ રનમાં ત્રણ વિકેટ ઝડપી હતી અને તે બદલ તેને મેન ઓફ ધ મેચ જાહેર કરયો હતો. ટેસ્ટ ક્રિકેટમાં તેની હેટટ્રિક પણ પાકિસ્તાન સામે ૨૦૦૬ની કરાચી ટેસ્ટમાં હતી, જેમાં તેણે સલમાન બટ્ટ, યુનુસ ખાન અને મોહમ્મદ યુસુફની વિકેટો લીધી હતી.