
શ્રીલંકામાં વાવાઝોડા દિતવાહને કારણે આવેલા વિનાશક પૂર અને ભુસ્ખલનોનો મૃત્યુઆંક સોમવારે વધી 334 થયો હતો અને હજુ 370 લોકો ગુમ હતાં. આ ઉપરાંત આશરે 11 લાખ લોકો પ્રભાવિત થયા હતાં. ભારતીય વાયુસેના અને રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળ (NDRF)ની ટીમોએ રવિવારે બચાવ અને રાહત કાર્યોમાં મદદ કરવાનું ચાલુ રાખ્યું હતું.
શ્રીલંકાના ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર (DMC)એ જણાવ્યું હતું કે વિનાશક પૂર અને ભૂસ્ખલનમાં ૩૩૪ લોકો માર્યા ગયા છે, ૩૭૦ લોકો ગુમ થયા છે. ૩,૦૯,૬૦૭ પરિવારોના ૧૧,૧૮,૯૨૯ લોકો પ્રભાવિત થયા હતાં.કોલંબોના કોચીકાડેમાં NDRF ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી.
ભારતે ઓપરેશન સાગર બંધુ હેઠળ 80 NDRF કર્મચારીઓ ધરાવતી બે શોધ અને બચાવ ટીમો ટાપુ રાષ્ટ્રમાં મોકલી હતી. એક સાહસિક ઓપરેશનમાં IAF હેલિકોપ્ટરોએ ભારત, જર્મની, સ્લોવેનિયા, યુકે અને દક્ષિણ આફ્રિકા સહિત દેશોના ફસાયેલા મુસાફરોને બહાર કાઢવા માટે હાઇબ્રિડ બચાવ મિશન હાથ ધર્યું હતું.













